ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, પ્રાઇવેટ કંપનીઓ જેટલું લેવું હોય એટલું લઇ શકે છે ભાડું

પોતાની મરજીથી સામાન્ય ભાડા કરતા ઘણું વધારે ભાડું વસુલ કરી શકે છે પ્રાઇવેટ ટ્રેન કંપનીઓ

જલ્દી જ પ્રાઇવેટ કંપનીઓ રેલવેનું ભાડું નક્કી કરશે. આ ભાડું આવનારા સમયમાં હવાઈ સેવાઓ માટે વસુલવામાં આવતા ભાડાની પેટર્ન પર નક્કી કરવામાં આવી શકે છે. પ્રાઇવેટ કંપનીઓ પોતાની મરજીથી જેટલું ઈચ્છે એટલું ભાડું રાખી શકે છે. આ ભાડા માટે તેમણે કોઈ પણ ઓથોરિટી પાસેથી કોઈ મંજૂરી લેવાની જરૂર નથી.

આ કંપનીઓ ભારતીય રેલવેના નેટવર્ક પર ટ્રેન ચલાવશે અને તેના માટે તેઓ જેટલું ઈચ્છે એટલું ભાડું નક્કી કરી શકે છે. રેલવેએ તે પ્રાઇવેટ કંપનીઓ પર છોડ્યું છે કે તેઓ ટ્રેનનું ભાડું નક્કી કરે. તેના સિવાય રેવન્યુ જનરેટ કરવા માટે તે અલગ અલગ પ્રકારના વિકલ્પો વિષે વિચાર કરવા અને નિર્ણય લેવામાં સ્વતંત્ર હશે.

આ ભાડું બજાર અનુસાર હશે :

હાલમાં આ પ્રકારની વાત રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ કહી હતી. હાલમાં પ્રી-એપ્લીકેશન મિટિંગમાં આ પ્રકારનો સવાલ પણ આવ્યો હતો. સરકાર કુલ 109 રૂટ પર 151 ટ્રેન પ્રાઇવેટ કંપનીઓને 35 વર્ષ માટે આપશે. રેલવેએ આ બાબતમાં હાલમાં ઉઠેલા સવાલોના જવાબમાં કહ્યું કે, પ્રાઇવેટ ટ્રેનનું ભાડું તેજ કંપની નક્કી કરશે, જે તેને ચલાવશે. તે ભાડું બજાર અનુસાર હશે.

તેના માટે કોઈ મંજૂરીની જરૂર નહીં પડે. સૂત્રો અનુસાર ભારતીય રેલવેએ કેબિનેટ અથવા સંસદ પાસેથી આ પ્રકારની બાબતો માટે પરવાનગી લેવી પડશે. રેલવે એક્ટ અનુસાર દેશમાં ફક્ત કેંદ્ર સરકાર અથવા રેલવે મંત્રાલય પેસેન્જર ટ્રેન માટે ભાડું નક્કી કરી શકે છે.

વર્તમાન ટ્રેનોના ભાડા કરતા ઘણું વધારે ભાડું હશે :

અધિકારીઓ અનુસાર, આવનારી પ્રાઇવેટ ટ્રેનોનું ભાડું વર્તમાન ટ્રેનોના ભાડા કરતા ઘણું વધારે હશે. એવું એટલા માટે કારણ કે આ ટ્રેનોમાં ભાડું ફિક્સ કરવાના નિયમ નથી. આમ તો અત્યારે પણ અમદાવાદથી મુંબઈ સુધી જતી શતાબ્દી એક્સપ્રેસનું ભાડું વર્તમાન ટ્રેનોના ભાડાથી ઘણું મોંઘુ છે. સાથે જ આ ટ્રેનોની કંપનીઓ પોતાની વેબસાઈટ પર ટિકિટ વેચી શકે છે. જોકે તેમણે વેબસાઈટના બેંક ફંડને રેલવે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે રાખવું પડશે, તે ભારતીય રેલવે પાસે છે.

મહિનામાં એક અથવા બે વાર મેન્ટેનન્સ કરવું પડશે :

રેલવે અનુસાર, ખાનગીકરણથી ટ્રેનોને ઝડપથી ચલાવવા અને રેલવેના ડબ્બાની ટેક્નોલોજીમાં નવા ફેરફાર આવશે. રેલવે અધિકારી અનુસાર, ટેક્નોલોજી સુધરવાથી ટ્રેનના જે કોચોને અત્યારે 4,000 કિલોમીટર યાત્રા પછી મેન્ટેનન્સની જરૂર હોય છે, તે સીમા લગભગ 40,000 કિલોમીટર થઈ જશે. જેથી તેમનું મહિનામાં એક અથવા બે વાર જ મેન્ટેનન્સ કરવું પડશે.

ભારતમાં તૈયાર કરવામાં આવશે ટ્રેનો :

રેલવે એ કહ્યું કે, 70% પ્રાઇવેટ ટ્રેનો ભારતમાં તૈયાર કરવામાં આવશે. આ ટ્રેનોને 160 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સ્પીડના હિસાબે બનાવવામાં આવશે. 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી યાત્રામાં 10 થી 15% ઓછો સમય લાગશે, જયારે 160 કિલોમીટરની સ્પીડથી 30% સમય બચશે. તેમની સ્પીડ હાલના સમયમાં રેલવે તરફથી ચલાવવામાં આવી રહેલી ફાસ્ટ ટ્રેનોથી પણ વધારે હશે. દરેક ટ્રેનમાં 16 કોચ હશે. જણાવી દઈએ કે, ભારતમાં અત્યારે તેજસ એક્સપ્રેસના નામથી પ્રાઇવેટ ટ્રેનો ચાલી રહી છે.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.