ડૉ. ભાસ્કરભાઈ વ્યાસના જીવનની આ સત્ય ઘટનાઓમાંથી 1 ટકા પણ શીખીશું તો જીવન સુખી થઈ જશે.

પ્રતિષ્ઠિત ઘરમાં લગ્ન પ્રસંગ હતો. મહેમાનો આવી ગયા હતા. ગ્રહશાંતિનો સમય પણ થઈ ગયો હતો. હવે પ્રતિષ્ઠિત ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો પણ પ્રતિષ્ઠાવાન જ પધાર્યા હતા. બધું જ તૈયાર હતું પણ ગોર મહારાજ ગાયબ હતા. ગોર મહારાજનો યજમાન પર ફોન આવ્યો અને કહ્યું કે, તબિયત અચાનક બગડી ગઈ હોવાથી આવી નહીં શકાય. યજમાન મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા. વરના પિતા રડમસ થઈ ગયા. હવે શું કરવું?

આ દૃશ્યો જોઈને આવેલા મહેમાનોમાંથી એક શાંત યુવાન ઊભો થયો. તે માત્ર એટલું જ બોલ્યો – “ઘરમાં અબોટિયું કે પીતાંબર છે?” પછી ફટાફટ વ્યવસ્થા થઈ ગઈ. કોટ, પેન્ટ અને ટાઈ ઊતરી ગયાં અને દેહ પર કર્મકાંડી બ્રાહ્મણનાં વસ્ત્રો ચડી ગયા. એ યુવાને તો શુદ્ધ ઉચ્ચાર સાથે અસ્ખલિત મંત્રો બોલીને કાશીના પંડિતને પાછા પાડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી દીધી.

ત્યાં હાજર દરેક વ્યક્તિ ખુશ થઈ ગયા અને સ્તબ્ધ પણ. જતી વખતે તે યુવાને યજમાનના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને કહ્યું – “આવતીકાલે લગ્ન રાખ્યાં છે ને? જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો. મારાથી વધારે સારી રીતે ઉચ્ચારશુદ્ધિ ધરાવતો બીજો બ્રાહ્મણ તમને નહીં મળે. હું ક્યાંય વિધિ માટે જતો નથી પણ જ્યાં ગાડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાઉં છું.”

પછી વરના બાપે યુવાને આપેલા કાર્ડમાં નામ વાચ્યું, તો તેમની મોટી આંખો વધુ મોટી થઈ ગઈ. કાર્ડમાં નામ લખ્યું હતું – ડૉ.ભાસ્કર યુ. વ્યાસ, એમ.ડી.(પેથોલોજી). તેમને કાર્ડ આપીને યુવાન તો પોતાની મોંઘીદાટ કારમાં બેસીને રવાના થઈ ગયો. વરના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા, જેમને આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા. પણ એમના કારણે ધાર્મિક વિધિ શોભી ઊઠી. એક માણસ પોતાના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે? આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ છે ડૉ.ભાસ્કર વ્યાસ. સાહેબને વંદન.

વૈદ્ય ઉત્તમરામ ભોળાનાથ વ્યાસના ઘરે જન્મેલા ભાસ્કરભાઇએ 6 વર્ષની ઉંમરમાં યજ્ઞોપવિત ધારણ કર્યા પછી, કાલુપુરમાં આવેલી સ્વામિનારાયણની પાઠશા‌ળામાં પ્રવેશ લીધો હતો. તે પૂજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણ્યા છે. તેમણે ભૂષણ અને વિશારદ જેવી પરીક્ષાઓ પાસ કરી. તે પૂ.અંબાશંકર શાસ્ત્રી પાસેથી યજુર્વેદ સંહિતા પણ શીખ્યા છે. લઘુરુદ્ર, નવચંડી, સહસ્ત્ર ચંડી યજ્ઞ, સૂર્યનારાયણની સ્તુતિ, વાસ્તુ વિધિ, યજ્ઞોપવિત, ગ્રહશાંતિ અને લગ્નવિધિ સહિતના હજારો શ્લોકો અને મંત્રો એમણે કંઠસ્થ કર્યા. આ બધું એમણે કિશોરાવસ્થામાં જ શીખી લીધું હતું.

મિત્રો, જો તે વધારે કશું જ ન શીખ્યા હોત, તો પણ આખી જિંદગી એમના ધાણીફૂટ મંત્રોચ્ચારના બળ ઉપર નંબર વન શાસ્ત્રી તરીકે અઢળક ધન કમાઈ શક્યા હોત. બાળપણથી જ તે ભણવામાં પણ તેજસ્વી હતા. ગુજરાત યુનિવર્સિટીમાં બી.એસસી માં તેમનો પ્રથમ નંબર આ‌વ્યો હતો. એ પછી એમના મનમાં ડોક્ટર બનવાનું સપનું જાગ્યું. એમણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

તેમના પરિવારમાં 5 ભાઈઓ અને 4 બહેનો છે. તેમનો પરિવાર આર્થિક રીતે ભલે દરિદ્ર હતો, પણ સંસ્કારોની રીતે અત્યંત સમૃદ્ધ હતો. એમની પાંચમી પેઢીના વડવા જેઠાલાલ વ્યાસ પેથાપુરમાં રહેતા હતા. એક દિવસ એમને સમાચાર મળ્યા કે પ.પૂ. શ્રીસહજાનંદ સ્વામી આજે નારાયણ ઘાટમાં પધારવાના છે. જેઠાલાલ વ્યાસ તેમના નાનાભાઈ લક્ષ્મીરામને લઈને ચાલતાં ચાલતાં અમદાવાદ પહોંચી ગયા. તેમણે સાબરમતીમાં સ્નાન કર્યુ. પછી જેઠાલાલભાઈએ મનની શંકા વ્યક્ત કરી – “બધા કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ નારાયણ સ્વરૂપ ભગવાન છે. જો એ સાચું હોય તો આપણને નામથી બોલાવશે નહીંતર હું માનીશ નહીં.”

પછી અબોટિયાં વીંટાળીને બંને ભૂદેવો પૂ. સ્વામીશ્રીના દર્શને ગયા. હજી તો વીસ કદમ દૂર હતા ત્યાં જ પૂ.શ્રી સહજાનંદ સ્વામીએ મોટેથી એમને આવકાર આપ્યો – “જેઠાલાલ વ્યાસ, પધારો! લક્ષ્મીરામ વ્યાસ, પધારો!” ચમત્કારોના ભંડારો નથી હોતા. પુરાવાના પોટલાંઓ નથી હોતાં. એક તિખારો જ પર્યાપ્ત હોય છે. આ એક મજબૂત પુરાવો મળી ગયો, અને આજે પાંચ પાંચ પેઢીથી તેઓ સ્વામિનારાયણ ધર્મ પાળે છે.

હાલમાં સમયમાં અમદાવાદ જેવા મોટા શહેરમાં 2 પેથોલોજીની લેબોરેટરી ધરાવતા કોઈ કન્સલ્ટન્ટ ડોક્ટરને તમે કપાળમાં ચાંદલો કરેલો કલ્પી શકો ખરા! જો ન કલ્પી શકતા હો તો એક વાર ડૉ.ભાસ્કર વ્યાસને મળી લેજો. જણાવી દઈએ કે, ડૉ.ભાસ્કરભાઈએ કપાળમાં કરેલા ચાંદલાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખી છે.

તબીબી વિશ્વમાં તો સ્મોકિંગ, ગુટખા અને શરાબપાનનું પ્રમાણ આઘાતજનક હદ સુધી વ્યાપી ગયું છે, છતાં પણ ડૉ.ભાસ્કરભાઈને એક જ પીણાંની આદત છે. અને એ પીણાંનું નામ છે પાણી. તેઓ જયારે પણ દેશપરદેશમાં યોજાતી મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે જાય છે, ત્યારે પણ 4-5 દિવસ ચાલે તેટલાં થેપલાં, ખાખરા અને અથાણું સાથે લઈને જાય છે. બહાર જાય ત્યારે ફાઈવ સ્ટાર હોટલના લક્ઝુરિયસ રૂમમાં રહીને સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વૈચ્છિક ત્યાગ કરીને, તેઓ પત્નીએ બનાવી આપેલાં થેપલાં અને છુંદો ખાય છે. આ પેથોલોજિસ્ટ પ્રાચીન ભારતીય સંસ્કારોનું પ્રતિનિધિત્વ કરે છે.

1975 માં ડૉ.વ્યાસે રીલિફ રોડ ઉપર એક ડોક્ટર મિત્રની ભાગીદારીમાં પ્રાઈવેટ લેબોરેટરીની શરૂઆત કરી હતી. અને 1976 માં એક પ્રખર જ્યોતિષાચાર્ય તેમની પાસે પોતાનો બ્લડ ટેસ્ટ કરાવવા માટે આવેલા જે ફી ની સાથે સાથે ભવિષ્ય વાણી પણ આપતા ગયેલા. તેમણે કહ્યું હતું કે, “મારી આગાહી યાદ રાખજો. આ ભાગીદારી એક દાયકાની આવરદા નહીં જુએ.” અને બરાબર એવું જ બન્યું. નવમા વર્ષે બંને મિત્રો છૂટા પડ્યા.

પછી ડૉ.ભાસ્કરભાઇએ આંબાવાડી વિસ્તારમાં નવું સાહસ શરૂ કર્યું. તેમની પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી. તેમના પત્ની ડૉ.કલ્પનાબહેન સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતાં. બે દીકરીઓ અને એક દીકરાનો સમૃદ્ધ વસ્તાર હતો. જેટલું ધન કમાઈ શકાય એટલું ઓછું હતું. પણ ડૉ.વ્યાસે પૈસા કમાવા કરતાં પુણ્ય કમાવા તરફ વિશેષ ધ્યાન આપ્યું.

તમે જ જણાવો, આપણા દેશમાં ફી ને બદલે આશીર્વાદ ચૂકવી શકે એવા દર્દીઓની ખોટ ખરી? મુસ્લિમ સ્ત્રી-પુરુષો, શાકવાળી બહેનો, ગરીબ મજૂરો, ફૂટપાથ પર ઉછરતાં બાળકો આ બધા જ્યારે બીમાર પડે ત્યારે એમના માટે એક જ વિસામો હતો એ હતો ડૉ.ભાસ્કર વ્યાસની લેબોરેટરી. ડૉ.વ્યાસ એમની પાસે ફી તો ન માંગે, પણ પરીક્ષણો માટે વપરાયેલાં રસાયણોની પડતર કિંમત 10 રૂપિયા માંગે, તો પણ આ દેશના છેવાડાના માણસો રડી પડે. અને દયાળુ ડૉ.વ્યાસ રૂમાલને બદલે પોતાના શબ્દોથી એમની આંખો લૂછી આપતા કહે “ચાલશે. એક પૈસો પણ ન આપશો.”

આવી રીતે આજ સુધીમાં ડૉ.ભાસ્કરભાઈએ ફી લીધા વગર જેમના ઈન્વેસ્ટિગેશન્સ કરી આપ્યા હોય એવા દર્દીઓની સંખ્યા 13 લાખ જેટલી થાય છે. અને એમાં કોઈ ધર્મભેદ નથી, જાતિભેદ નથી કે જ્ઞાતિબાદ પણ નથી. સ્વાભાવિકપણે જ આવા સાત્વિક ડોક્ટર ધર્મગુરુઓ અને સંતોમાં અત્યંત પ્રીતિપાત્ર બની રહે. 1962 માં શાહીબાગ ખાતે મંદિર બંધાયું ત્યારથી જ ડૉ.ભાસ્કર વ્યાસ સંતોની સેવા કરતાં રહ્યા છે.

પ.પૂ. શ્રી પ્રમુખસ્વામીજીને 42 વર્ષ સુધી એમણે સેવાઓ આપી. પૂ.યોગીજી મહારાજના દર્શનનો લાભ પણ મેળવ્યો. વાસણાવાળા પૂ.બાપાશ્રી, મણિનગરના પૂ.પુરુષોત્તમપ્રિયદાસજી, પૂ.વ્રજરાયજી મહારાજ, ગાંધીનગરના પૂ.શ્રીસત્યસંકલ્પ સ્વામીજી આ બધાનાં પરીક્ષણો ડૉ.ભાસ્કરભાઈએ સંપૂર્ણ ધર્મભાવથી કરી આપ્યા છે. કાલુપુર મંદિરના પૂ.આચાર્યશ્રી અને બધા જ સંતો બીમારીના સમયે ડૉ.ભાસ્કર વ્યાસને જ યાદ કરે. દાઉદી વહોરાજીના ધર્મગુરુ સૈયદ બુરહાનુદ્દીનસાહેબ જ્યારે અમદાવાદ પધાર્યા હોય, ત્યારે કોઈ પણ ઈન્વેસ્ટિગેશન્સની જરૂર પડે તો વહોરાભાઈઓ ડૉ.ભાસ્કરભાઈને જ બોલાવે.

જણાવી દઈએ કે, ડૉ.ભાસ્કર વ્યાસનું સૌથી ઉત્તમ પ્રદાન શિક્ષણ ક્ષેત્રે છે. આટલી વ્યસ્ત પ્રેક્ટિસ વચ્ચે પણ એમણે 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોચિંગની જવાબદારી સ્વીકારી લીધી. અમદાવાદના અનેક સુપ્રસિદ્ધ ડોક્ટરોનાં સંતાનો એમના હાથ નીચે તૈયાર થઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. 1977 માં એમણે વી. એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને મળીને પ્રસ્તાવ મૂક્યો – “હું એક સફળ પેથોલોજિસ્ટ હોવા ઉપરાંત એક ઉત્તમ શિક્ષક પણ છું. જો તમે મંજૂરી આપો તો હું તમારા મેડિકલ સ્ટુડન્ટ્સને પેથોલોજીનું શિક્ષણ આપવા તૈયાર છું. બદલામાં મારે એક પણ રૂપિયો જોઈતો નથી.”

હવે આવા પ્રસ્તાવને કોણ ઠુકરાવે? ડૉ.ભાસ્કર વ્યાસને પરમિશન મળી ગઈ. પહેલા 3-4 દિવસ તો એમને આ અભિયાનમાં નિષ્ફળતા મળી. કપાળમાં ચાંદલાવાળા સાહેબને જોઈને સ્ટુડન્ટ્સ ક્લાસ છોડીને ચાલ્યા ગયા. પણ જે બેસી રહ્યા એ ન્યાલ થઈ ગયા. ધીમે ધીમે એમના ટીચિંગનો જાદુ પ્રસરવા લાગ્યો. અને લાલ ચાંદલાની પાછળ રહેલી સોનેરી તેજસ્વિતા, અસ્ખલિત અંગ્રેજી પ્રવાહ અને જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો જોઈને વિદ્યાર્થીઓ ક્લાસમાં ઊભરાવા લાગ્યા.

ડૉ.વ્યાસે જિંદગીમાં ક્યારેય નોટ્સનો સહારો ન લીધો. માત્ર ચોક, ડસ્ટર અને દિમાગ. 1977 થી આરંભાયેલું આ શિક્ષણ કાર્ય પૂરાં 30 ‌વર્ષ સુધી એમણે ચાલું રાખ્યું. એમના હાથ નીચેથી તૈયાર થયેલા સેંકડો વિદ્યાર્થીઓ આજે ગુજરાતભરમાં પેથોલોજિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. એટલું જ નહીં ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રિક્ષાભાડું લઇને એમણે પેપરસેટર તરીકે પણ સેવા આપી છે. એમબીબીએસ અને એમ.ડી.ની પરીક્ષા માટે તેમણે ચીફ એક્ઝામિનર તરીકેની ફરજ પણ નિભાવી છે.

ફક્ત અમદવાદ જ નહિ પણ જામનગર, સુરત, વડોદરા અને મુંબઈના ડોક્ટરોની પણ તેઓ પરીક્ષા લઈ આવ્યા છે. આટલું ઓછું હોય તેમ ગુજરાત રાજ્યના રાજ્યપાલના અંગત પેથોલોજિસ્ટ તરીકે છેલ્લાં 22 ‌‌વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા છે. આજે 75 વર્ષના આરે પહોંચેલા ડૉ.ભાસ્કર વ્યાસ આટલું મોટું સામાજિક પ્રદાન કર્યા પછી નિવૃત્ત થવાને બદલે વધુને વધુ પ્રવૃત્ત બનતા રહ્યા છે.

હાલના સમયમાં નવ ટાંક જેટલી સેવા કરીને અધમણ જેટલા એવોર્ડ્સ મેળવી જનારા ડોક્ટરોના મેળામાં, આ એક એવા ડોક્ટર છે, જે ટનબંધ સેવાકાર્યો કર્યા પછી પણ ક્યાંક આડે હાથે મુકાઈ ગયા છે. આપણો સમાજ અને સરકાર એમને પૈસા ન આપી શકે પણ એમના કાર્યોની પહોંચ તો આપી શકેને?

ડૉ.શરદ ઠાકરની પોસ્ટનું સંપાદન.