સાચો મિત્ર તે હોય છે જે પોતાના મિત્રની મદદ તેના ખરાબ સમયમાં કરે છે

સાચો મિત્ર તેને જ કહેવાય જે ખરાબ સમયમાં પોતાના મિત્રની મદદ કરે

જીવનમાં મિત્રતાનો સંબંધ ઘણો અમૂલ્ય હોય છે અને આ સંબંધ વિશ્વાસ અને પ્રેમના આધાર પર બને છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં પણ ઘણા બધા મિત્રો હતા. પણ તેમના સૌથી અનમોલ મિત્ર સુદામા હતા. સુદામા સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું બાળપણ પસાર કર્યું હતું, અને આ બંનેની મિત્રતા એક આશ્રમમાં થઈ હતી. જયારે ભગવાન શ્રીકૃષ્ણ સુદામાને પહેલીવાર મળ્યા હતા ત્યારે તે બંને એક બીજાને જાણતા ન હતા.

પણ જેમ જેમ તે બંને જણાએ એક બીજા સાથે સમય પસાર કરવાનું શરુ કર્યું, તો તે બંને એક બીજાના એકદમ ખાસ મિત્ર બની ગયા. આ બંનેએ એક સાથે આશ્રમમાં ઘણો સમય પસાર કર્યો અને શિક્ષણ મેળવ્યું. શિક્ષણ મેળવ્યા પછી આ બંને પાછા પોતપોતાના ઘરે જતા રહ્યા અને ઘણા વર્ષો સુધી એકબીજાને ન મળ્યા.

શ્રી કૃષ્ણ ઘણા અમીર હતા અને સુદામા ઘણા ગરીબ હતા. સુદામા લોકો પાસે અનાજ માંગીને પોતાનું અને પરિવારનું પેટ ભરતા હતા. તેવામાં એક દિવસ સુદામાની પત્નીએ સુદામાને કહ્યું કે, તે એકવાર શ્રી કૃષ્ણને મળે. શ્રી કૃષ્ણને જયારે તમારી ગરીબી વિષે ખબર પડશે તો તે જરૂર આપણી મદદ કરશે. પોતાની પત્નીની વાત માની સુદામા શ્રી કૃષ્ણને મળવા માટે રાજી થઈ ગયા.

શ્રી કૃષ્ણને મળવા માટે જયારે સુદામા તેમના મહેલમાં ગયા તો મહેલની બહાર ઉભેલા સિપાઈઓએ સુદામાને અંદર પ્રવેશ કરવાથી અટકાવ્યા. સુદામાએ સિપાઈઓને જણાવ્યું કે, તે શ્રી કૃષ્ણના મિત્ર છે. પણ સુદામાની વાત સાંભળીને સિપાઈઓ હસવા લાગ્યા. જયારે શ્રી કૃષ્ણને ખબર પડી કે, કોઈ સુદામા નામના વ્યક્તિ તેમને મળવા આવ્યા છે, તો શ્રી કૃષ્ણ દોડતા દોડતા સુદામા પાસે ગયા અને તેમણે સુદામાને ગળે લગાવ્યા. શ્રી કૃષ્ણએ ઘણી સારી રીતે પોતાના મિત્રનું સ્વાગત કર્યું.

શ્રી કૃષ્ણને જોઈને સુદામાએ તેમને એક સવાલ કર્યો અને પૂછ્યું, કૃષ્ણ હું ગરીબ કેમ રહી ગયો? સુદામાની આ વાત સાંભળીને શ્રી કૃષ્ણએ તેમને આશ્રમના દિવસો યાદ આપાવ્યા અને સુદામાને કહ્યું કે, તમે યાદ કરો એક વાર આપણે બંને જંગલમાં લાકડી કાપવા જઈ રહ્યા હતા. ત્યારે આપણને બંનેને ગુરુ માં એ થોડા ચણા ખાવા માટે આપ્યા હતા અને કહ્યું હતું કે, આપણે બંને આ ચણાને પરસ્પર વહેંચી દઈએ. પણ તું એ ચણા એકલો જ ખાઈ ગયો હતો.

એના કારણે આજે તું દરિદ્ર છે. બાળપણમાં તારાથી થયેલી આ ભૂલને કારણે તારી સાથે આ બધું થઈ રહ્યું છે. સુદામને પોતાની ભૂલ યાદ કરાવ્યા પછી શ્રી કૃષ્ણએ સુદામાની મદદ કરી અને તેમને ઘણા રાજ્યોના રાજા બનાવી દીધા.

સુદામા અને શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી આ કથા આપણને એ વાતનું જ્ઞાન આપે છે કે, સાચા મિત્રોએ કેવી રીતે એક બીજા સાથે વ્યવહાર રાખવો જોઈએ અને એક બીજાની મદદ કરવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.