ઉદયગિરિની ગુફામાં વિરાજમાન છે દેશની સૌથી પ્રાચીન બાળ ગણેશની મૂર્તિ, જાણો કોણે બનાવડાવી હતી.

દેશની સૌથી પ્રાચીન બાળ ગણેશની મૂર્તિ ઉદયગિરિની ગુફામાં છે, આમણે બનાવડાવી હતી આ સુંદર મૂર્તિ.

દેશમાં ગણેશોત્સવના ઉત્સાહ વચ્ચે એ જાણવું રોચક હોઈ શકે છે કે, મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ઉદયગિરિ પહાડ પર આવેલ ગુફા નંબર 6 માં ભગવાન ગણેશના બાળ સ્વરૂપની મૂર્તિ દેશની સૌથી પ્રાચીન મૂર્તિ છે. એજ કારણ છે કે દેશ-વિદેશથી પુરાતત્વ પ્રેમી આ મૂર્તિને જોવા ઉદયગિરિ આવે છે. જોકે, પથ્થરમાં કોતરેલી આ મૂર્તિ ખંડિત થઈ ગઈ હોવાથી તેની પૂજા-અર્ચના નથી કરવામાં આવતી.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સેવાનિવૃત્ત અધીક્ષણ પુરાતત્વવિદ ડો. નારાયણ વ્યાસ અનુસાર, આ મૂર્તિ દેશની સૌથી પહેલી ગણેશ મૂર્તિ છે. તેનું નિર્માણ ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળમાં ચોથી શતાબ્દીમાં થયું હતું. ચંદ્રગુપ્ત દ્વિતીયના સેનાપતિ વીરસેને માલવા પર વિજય પ્રાપ્ત કરવાના ઉપલક્ષ્યમાં શહેરથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલા ઉદયગિરિના પહાડોમાં આ ગુફાનું નિર્માણ કરાવ્યું હતું. હવે આ ઐતિહાસિક પર્યટન સ્થળ છે.

ડો. વ્યાસ જણાવે છે કે, ઈસા પહેલાની ગણેશની મૂર્તિ મળવાનું પ્રમાણ અત્યાર સુધી નથી મળ્યું. પહેલા ફક્ત શિવજીની પૂજા થતી હતી. બંગાળમાં ચંદ્રગુપ્ત ગૌડ નામની જગ્યા પર બીજી શતાબ્દીમાં ટેરાકોટાની બનેલી ઘણી નાની ગણેશજીની મૂર્તિ મળી હતી. નિશ્ચિત રીતે ઉદયગિરિમાં મળેલી બાળ ગણેશની મૂર્તિ પહેલા આ પ્રકારની કોઈ પણ મૂર્તિ મળી નથી.

બાળસ્વરૂપની આ દેશની પહેલી અથવા સૌથી પ્રાચીન મૂર્તિ છે. તેમજ વિદિશા પુરાતત્વ વિભાગમાં લાંબા સમય સુધી ક્યૂરેટર રહેલા એમકે માહેશ્વરી જણાવે છે કે, બલુઆ પથ્થરના આ પહાડને કોતરીને જયારે ગુફાઓમાં મૂર્તિઓ બનાવી હશે, ત્યારે સૌથી પહેલા શ્રીગણેશની બાળ મૂર્તિ બની હશે. પુરાતત્વ અને કળાના ક્ષેત્રમાં જાણીતી આ દેશની પહેલી મૂર્તિ છે.

પથ્થર પર કોતરેલી છે આ મૂર્તિ :

લગભગ અઢી ફૂટ ઊંચી મૂર્તિ પીળા રંગના બલુઆ પથ્થરને કાપીને બનાવવામાં આવી છે. મૂર્તિના બે હાથ છે. એક હાથમાં ગણેશજીએ પાત્ર પકડેલું છે. શક્ય છે કે તે પાત્રમાં મોદક કોતરેલા હોય, તેમજ બીજો હાથ ઘૂંટણ પર મુકેલો છે. બેસેલી મુદ્રામાં આ મૂર્તિ પર્વતના એક પથ્થર પર કોતરેલી છે. બેસવાની રીતને કારણે તેને બાળ ગણેશની મૂર્તિ માનવામાં આવે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.