વિજ્ઞાન શિક્ષક પાસેથી જાણો ભૂગર્ભ ટાંકા વિષે વિસ્તૃત માહિતી, આખું વર્ષ ચાલે એટલું પાણી ભેગું થશે.

ભૂગર્ભ ટાંકા વિષે વિસ્તૃત માહિતી :

આજે ભૂગર્ભ ટાંકા વિષે મારા જ્ઞાન અને સમજ પ્રમાણે આજે થોડી માહિતી આપવા પ્રયત્ન કરું છું. હું અને મારા પત્ની બન્ને વિજ્ઞાન શિક્ષક છીએ અને દોઢ વર્ષ પહેલા જ અમે અમારું નવું મકાન બનાવ્યું છે, મકાન બનાવતા પહેલાજ એ નક્કી કરેલું હતુ કે આપણે એવો પ્લાન બનાવવો કે વરસાદ ના પાણી ના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકો હોય અને એ ટાંકો ભરાય ગયા બાદ વધારાનું પાણી પણ જમીનમાં રીચાર્જ થાય. વરસાદનું પાણી આપણા ઘરમાંથી એક ટીપું પણ બહાર ન જવું જોઈએ.

આપ ફોટામાં જોઈ શકો છો કે મકાનના પાયા નું ખોદકામ કર્યું ત્યારેજ ભૂગર્ભ ટાંકા માટે પણ સાથે ખાડો બનાવેલો છે. ગ્રાઉન્ડ ફ્લોર ના એક રૂમની નીચે ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે, આ ટાંકો લગભગ ૧૬,૦૦૦ લીટર થી વધુ પાણી સંગ્રહ ક્ષમતા વાળો છે.

એક વ્યક્તિને રોજ ૫ થી ૬ લીટર પાણી જોઈએ એ મુજબ મહિનાનું ૧૮૦ લીટર અને વાર્ષિક ૨૧૬૦ લીટર ( રાઉન્ડ ફિગર ૨૨૦૦ લીટર ) પાણી જોઈએ, ફીલ્ટરનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું તો નથી જ તો વરસાદનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

જો પરિવારમાં ૫ વ્યક્તિ હોય તો ૧૧,૦૦૦ લીટરની ટાંકી બનાવવામાં આવે તો આખું વર્ષા રસોઈ અને પીવા માટે એ પાણી પુરતું થઇ રહે. આવો ટાંકો બનાવવામાટે ટાંકાની સાઈઝ ૬x૭x૧૦ ફૂટની રાખી હોય તો પુરતું છે. ( ૧ ચોરસ ફૂટ = ૨૭ લીટર પાણી ) ટાંકાની અંદર માત્ર સિમેન્ટનું પ્લાસ્ટર જ કરવું ટાઈલ્સ લગાવવાની જરૂર નથી.

મારા મત મુજબ પ્લાસ્ટર ઉપર કોઈ કલર ન કરવો (કલરમાં કેમિકલ હોઈ જ છે) ટાંકાની દીવાલોમાં સાદો ચૂનો લગાવવો જેથી ટાંકામાં ઉજાસ રહે અને એ ચૂનો પાણીમાં થોડો થોડો ઓગળ્યા કરશે એ કેલ્શિયમ તરીકે પાણીમાં ભળશે જે શરીર માટે સારું રહેશે.

ટાંકાનું ઢાંકણ એવું રાખવું કે અંદર સહેજપણ સૂર્યપ્રકાશ ન જઈ શકે. સુર્યપ્રકાશ ન જાય તો આખું વર્ષ ટાંકામાં પાણી બગડશે જ નથી. વરસાદ આવ્યાબાદ એક વખત ધાબુ સરસ થી ધોઈ નાખવું ત્યારબાદ જ ચોખ્ખું પાણી ટાંકામાં જવા દેવું. પાણી જવા દેવા માટે અને રોકવા માટે પાઈપ ફીટ કરતી વખતે એક કંટ્રોલ વાલ્વ મુકવો જરૂરી છે જેથી ગંદુ પાણી ટાંકામાં ન જાય.

ચોમાસા દરમિયાન આપણા મકાનના ધાબા ઉપર કેટલું પાણી પડે એનો હિસાબ કરવા માટે મેં એક કોઠો ફોટામાં મુક્યો છે. આ ટાંકો ભરાય ગયા બાદ જો વધારાનું પાણી પોતાના ઘરમાં કે આસપાસમાં કુવો કે બોરવેલ હોય તો તેને રીચાર્જ કરવા તેમાં પાણી જવા દેવું જોઈએ. મારા ઘરમાં ટાંકો ભરાઈ ગયા બાદ ટાંકાની બાજુમાંજ કુવી બનાવેલી છે (કુવીની સાઈઝ ઊંડાઈ ૫૦ ફૂટ અને પહોળાઈ ૩ ફૂટ) એમાં એ પાણી જતું રહે છે.

ગયા વર્ષે આખા ચોમાસામાં અમારૂ ઘર છે ત્યાં ઉનામાં ૪૬ ઇંચ વરસાદ થયેલો તો કોઠા મુજબ મેં ગણતરી કરી તો ૧૬૦૦૦ લીટર પાણી ટાંકામાં સંગ્રહિત થયું અને લગભગ ૧,૦૦,૦૦૦ લીટર થી વધારે પાણી કુવી દ્વારા જમીનમાં ઉતાર્યું (રીચાર્જ થયું ) હતું…

મારા ઘરમાં આ વરસાદી પાણીના સંગ્રણ માટેની સીસ્ટમ છે તે કેવી રીતે ગોઠવણ કરેલી છે તે જોવા ઈચ્છતા હોય તો તેનો વિડીઓ મેં મારી Youtube ચેનલમાં મુકેલો છે જેની લીંક નીચે છે.

– જયદીપસિંહ બાબરિયા.