આ ગામમાં છે વડીલોનો વિસામો, અહીં તેમના માટે ખાવાથી લઈને ફિઝીયોથેરાપી, કરસત બધું ફ્રી, જાણો વધુ વિગત

માણસનું જીવન ત્રણ ચરણમાં વહેંચાયેલું છે. બાળપણ, યુવાની અને ઘડપણ. આ ત્રણ ચરણમાં બાળપણને લોકો સૌથી સારું ગણે છે અને તેને ફરીથી જીવવા માંગતા હોય છે. કારણ કે બાળપણમાં કોઈ જાતની ચિંતા નથી હોતી, કોઈ દબાણ નથી હોતું, કોઈ સામાજિક કર પારિવારિક બોજ નથી હોતો, બસ હસતા રમતા દિવસ પસાર કરવાના હોય છે.

એ પછી આવે છે યુવાની. યુવાનીમાં વ્યક્તિમાં એક અલગ જ જોશ હોય છે. તે ઉર્જાથી ભરપૂર હોય છે. આ ચરણમાં વ્યક્તિ પર પોતાના માટે, પોતાના જીવનસાથી માટે, પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે કાંઈક દેખાડવાનું જનુન સવાર હોય છે. વ્યક્તિ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ તેના પર જવાબદારીઓનો ભાર વધતો જાય છે.

યુવાની પછી આવે છે ઘડપણ. આ ચરણમાં પહોંચવા સુધીમાં વ્યક્તિ પોતાનું મોટાભાગનું જીવન જીવી ચુક્યા હોય છે. તેમના સંતાનોના સંતાન પણ જન્મ લઇ ચુક્યા હોય છે. આ ચરણમાં વ્યક્તિ શારીરિક દ્રષ્ટિએ દરેક કામ કરવા માટે સક્ષમ નથી હોતા. તેમને કોઈને કોઈ શારીરિકને માનસિક પરેશાની હોય છે. ઘડપણમાં લોકોનો સમય જલ્દી પસાર નથી થતો.

તેમજ ઘણા લોકો સાથે એવું પણ થાય છે કે, આ સમયે તેમની સાથે તેમનો પરિવાર નથી હોતો. તેઓ સાવ એકલા પડી જાય છે. તેમના સંતાનો નોકરી ધંધે જતા રહે છે, અને પૌત્ર-પૌત્રીઓ શાળા કે ટ્યુશનમાં જતા રહે છે. એવા વૃદ્ધો માટે ઝાલોરા નામના ગામમાં સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી ગામના વડીલો માટે બનાવાયેલું એક નવું સોપાન છે ‘વડીલોનો વિસામો’.

એક સેવા ભાવિ સંસ્થા છે, જે. પી. પટેલ (મુખી) પ્રેરિત સહજ-આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ. જણાવી દઈએ કે, આ ટ્રસ્ટ દ્વારા બોરસદ તાલુકાના ઝારોલા ગામમાં વડીલોનો વિસામો જેનું નામ ‘સાંજ’ રાખવામાં આવ્યું છે, તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શંભુભાઈ અને તેમની પત્ની દક્ષાબેનના અનુદાનથી આ ગામમાં વૃદ્ધો માટે એક ભવ્ય મકાન બાંધવામાં આવ્યું છે. અહીં તેમના માટે તમામ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

શંભુભાઈએ પોતાના માતૃશ્રીની દ્વિતીય પુણ્ય તિથિ નિમિતે આ વડીલોના વિસામા ‘સાંજ’ નો શુભારંભ કર્યો હતો. ઝાલોરાના વૃદ્ધોને એકલતા ન લાગે અને તેમના સ્વાસ્થ્ય પ્રશ્નોનો પણ ઉકેલ થાય અને તેમની ઉત્તરાવસ્થા ઉમદા અને ઉત્તમાવસ્થા બને તેવા શુભ હેતુથી તેમણે આની શરૂઆત કરી છે.

અહીં ફક્ત સિનિયર સિટીઝન માટે બધુજ ફ્રી છે. કમલેશ વિનોભાઈ પટેલ નામના એક ફેસબુક યુઝરની પોસ્ટ અનુસાર અહીં સવારે ૭:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી તેમની સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે. (સમયમાં ફેરફાર હોઈ શકે છે.)

અહીં તેમને સવારે ચા નાસ્તો, જમવાનું અને સાંજે પણ ચા નાસ્તો આપવામાં આવે છે. સાથે સાથે તેમને ડોક્ટર, ફિઝીયોથેરાપી તથા કરસતના સાધનો પણ પુરા પાડવામાં આવે છે. તેમજ જે વડીલ ચાલી શકતા નથી તેમની માટે ઘરેથી લઇને પાછા મૂકી જવા માટે રિક્ષા પણ છે.

અહીં વૃદ્ધોને આનંદ પ્રમોદની સાથે જ્ઞાનગમ્મત પણ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીં વોકિંગ ટ્રેક પણ બનાવેલો છે. તેમજ નયનરમ્ય બગીચો પણ બનાવ્યો છે. એટલું જ નહિ જો કોઈ વૃદ્ધોને કોઈ ફિલ્મ જોવી હોય તો નાનકડા થીએટરની સુવિધા પણ અપાય છે. અહીં ભવ્ય ડાઇનિંગ હોલ બનાવ્યો છે.

અહીં અઠવાડિયે એકવાર વૃદ્ધોની શારીરિક તપાસ કરાવવા માટે ડોક્ટર રૂમની પણ સુવિધા છે. અહીં એસીની સુવીધા છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તેમજ વહીલ ચેરની પણ સુવિધા છે. દરેક વૃદ્ધને અહીં ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા આપવામાં આવે છે. આવા સારા પ્રયત્ન કરવા માટે અને તેમાં સહકાર આપનાર દરેકને સલામ.