આ રીતે બનાવશો “વરાળીયું શાક” તો બધા આંગળા ચાટતા રહી જશે, જાણો તેની દેશી રેસિપી.

ચોખવટ :

આજ સુધી મને એવું હતું કે મારી એકનીએક અને સગી પત્ની ના હાથમાં જ કરામત છે કે રસોઈ એકદમ સ્વાદિષ્ટ બને છે પણ અનિલ રંગપરીયાએ એ ભ્રમ ભાંગી નાખ્યો..

પોતાના આંગળા ચાટી જઈએ એવું મસ્ત વરાળીયું બનાવ્યુ..

વરાળીયું બનાવવાની રીત

શાક માટેની સામગ્રી

બટાટા 2 કીલો

રીંગણા 2 કીલો

લીલા મરચા ભરી શકાય એવા 1 કીલો

સુકી ડુંગળી 2 કીલો

સુકુ લસણ 250 ગ્રામ

કાજુ 250 ગ્રામ અથવા પોષાય એટલા

ગ્રેવી માટે

સુકી ડુંગળી 1 કીલો

લીલી હળદર 200 ગ્રામ

આદુ 200 ગ્રામ

ટમેટા 3 કીલો

ચટણી માટે

કોથમીર 1 કીલો

તીખી મરચી 25- 30 નંગ

ડુંગળી, લસણ, લીંબુ, સીંગદાણા.

મસાલા માટે :

ગાઠીયા સફેદ (ભાવનગરી ) 100 ગ્રામ

ચવાણુ 100 ગ્રામ

ટોસ્ટ 1 પેકેટ

સીંગદાણા 500 ગ્રામ થોડા ચટણી મા પણ નાખી શકાય

વરીયાળી 100 ગ્રામ

ધાણા 50 ગ્રામ

જીણુ ખમણ 100 ગ્રામ

મરચુ કાશ્મીરી

હળદર 100 ગ્રામ

ધાણાજીરુ

મીઠુ

ખાંડ

સફેદ તલ 50 ગ્રામ

લીંબુ અને તેલ

વઘાર માટે :

હીંગ 2-3 ચમચી

રાય + જીરુ

તજ લવીંગ બાદીયા 50 ગ્રામ

મીઠો લીમડો 1 પુળી

તેલ 1.5 લીટર

કુલ લીંબુ 500 ગ્રામ

મીઠુ 1 થેલી

ખાંડ 500 ગ્રામ

કાશ્મીરી મરચુ 100 ગ્રામ

ધાણા જીરુ 250 ગ્રામ

છાશ માટે ત્રણ કીલો દહીનું ઘોરવું

મરચા લેવામાં ખાસ ધ્યાન રાખવું, પતિ પત્ની મરચા લેવા.

શાક માટે મોટા, ફુલાયેલા પણ ઓછી તીખાશ વાળા મતલબ પતિ જેવા મરચા લેવા અને ચટણી માટે તીખી મરચી લેવી, કોના જેવી?

સૌ પ્રથમ મસાલો બનાવવો.

જેમ પતિ ને બોલી બોલીને અધકચરો કરી નાંખો છો એ રીતે બધો મસાલો ખાંડી નાંખો અધકચરો. સાવ ભુકો નથી કરવાનો.

થોડા લીંબુ ઉમરો મતલબ એનો રસ થોડુ તેલ નાંખો. સ્વાદ પ્રમાણે. મીઠુ મરચુ ખાંડ.

થોડુ તીખુ રાખવું.

જેમ પતિને ટકાવી રાખવો છે અને ઉભેઉભો વેતરી પણ નાંખવો છે એ રીતે સમજીને ઉભા ચીરા પાડી એમાં મસાલો ઠાંસી ઠાંસીને ભરી દો.

બાકી મસાલો વધે એને થોડું પાણી નાંખી ને ગ્રેવી મા વાપરી લેવો.

હવે શાક બાફવા માટે તૈયાર છે.

એક મોટા તપેલા માં થોડુ પાણી ભરો. એમાં ઈંટ નો ટેકો રાખીને કે નાનું સ્ટેન્ડ ગોઠવી જાળી મુકો અથવા ભાત ઓસાવવાનુ બકેટ આવે એ રાખો.

એ બકેટ માં નીચે બટાટા મુકો. પછી ડુંગળી , રીંગણા અને સાવ ઉપર મરચા રાખો..બફાવામાં વાર લાગે એ સૌથી નીચે રાખવું.

ઉપરથી ઢાંકણ ઢાંકી દો.

હવે નીચે લાકડા, છાણા વગેરેથી ધીમો તાપ કરો. એ સોથી સારુ.

એ ન હોય તો ગેસ પણ વાપરી શકાય

પણ તાપ કરવો જરુરી છે. અમુક ગૃહીણી ફેસબુકની લ્હાય માં ગેસ/તાપ ચાલુ કરવાનું જ ભુલી જાય છે.

તાપ એટલો રાખવો કે બફાતા દોઢ કલાક જેટલો સમય લાગે.

લીલી હળદર, આદુ- મરચા, ડુંગળી, ટમેટા ની અલગ અલગ પેસ્ટ બનાવો. ડુંગળી અને ટમેટા થોડા મોટા રાખવા. સાવ પેસ્ટ નહી કરવાની.

બાકીનું તેલ ગરમ કરવા મુકો.

ગરમ થઈ જાય એટલે વઘાર કરી નાંખો.

વઘાર કેમ કરવો એ જો શીખવાડવુ પડે તો જોગમાયા. તમે રહેવા દો, તમારાથી નહી જ થાય.

એમાં સૌથી પહેલા ડુંગળી નાંખો, થોડુ પાકવા દો, પછી વારા ફરતી ટમેટા, હળદર, આદુ ની પેસ્ટ નાંખો. મીઠો લીમડો પણ આમાં નાખવા માટે જ લીધો છે. મસાલો વધ્યો હોય તો એ પણ નાંખી દો. થોડુ પાણી નાંખી ને પકાવો. તમારી પ્રજાતિ ને પકાવવાની ફાવટ તો સારી જ હોય છે પછી એ રસોઈ હોય કે પતિનું મગજ.

તીખું માપે જ રાખવું

તીખાશ માટે અલગથી ચટણી બનાવવી.

કાશ્મીરી મરચુ વાપરશો એટલે કલર જોરદાર આવશે પણ દેખાવ પ્રમાણે તીખું નહી લાગે.

હવે ગ્રેવી પાકી જાય એટલે એમાં વરાળથી બાફેલા શાક નાંખી દેવા. બે ચાર મીનીટ એકદમ ધીમો તાપ રાખી પાકવા દો જેથી ટેસ્ટ સરખો બેસી જાય.

ચાખવાની જરુર નથી. આ પ્રમાણે સામગ્રી નાંખી હશે તો એકદમ ઝક્કાસ બનશે.. અનિલની ગેરંટી.

અમુક લોકો ગ્રેવી અને શાક અલગ પણ રાખે છે. જો એમ કરવું હોય તો બાફતી વખતે બધી આઇટમ વચ્ચે પાતળું કાપડ પાથરવું.

શાક, ગ્રેવી અને ચટણી પોતાની પસંદ પ્રમાણે અલગ અલગ લઈને ભેગું કરવું.

બાર તેર રોટલા બનાવી લેવા. સાચી મજા લેવી હોય તો રોટલા પાંચેક કલાક પહેલા બનાવી લેવા.

આ સામગ્રી વિશેક -20 જણા માટે છે. એટલા માંથી એકાદી તો એવી હોય જેને ટીપી ને બાજરા ના રોટલા કરતા આવડે, નહિતર કોઈ કાઠીયાવાડી હોટલમાંથી રોટલા તૈયાર લઈ આવવા. થાબડી ને પાટલી પર રોટલા બનાવી કાઠીયાવાડ ની આબરુ ન કાઢતાં હો.

ખાવાની રીત :

ગ્રેવી, શાક અને ચટણી સાથે થોડો રોટલો ચોળી ને લેવો.

ચમચી સાઇડ પર મુકી આજુબાજુ વાળા બહુ ચોખલીયા ન હોય તો હાથેથી ખાવું. મા ના કોળીયા માં કે પહેલા વરસે પત્ની ખવડાવતી હોય અને જે મીઠાશ આવે એવી મીઠાશ પોતાના હાથેથી ખાવામાં આવશે. અને એ ખવડાવે તો તો…. આહાહા

ખાસનોંધ : આ ખાતી વખતે અંદરથી ચાર પાંચ વખત વખાણ બહાર નીકળી જશે જ, આપમેળે. અને જો કોઈ વખાણ ન કરે તો એની પત્નીની દયા ખાજો કે કેવા અ-રસિક માણસ સાથે બીચારી રહે છે, અને એને બીજી જમવા બોલાવવો નહી.

– કાંતિલાલ મેરજા પટેલ