વર્ષના પહેલા જ દિવસે મળી ગઈ આ 8 ગિફ્ટ, હવે બદલાય જશે તમારું જીવન

નવા વર્ષ એટલે કે 2020 ની શરૂઆત સાથે જ સામાન્ય લોકોને એક સાથે ઘણા ગિફ્ટ મળ્યા છે. આ ગિફ્ટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સહીત લોન અને આધાર સાથે જોડાયેલા છે. એના સિવાય ટીવી રિચાર્જને લઈને પણ ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) એ એક ખુશખબર આપી છે. આવો એના વિષે જાણીએ.

SBI ની હોમ લોનમાં ફેરફાર :

1 જાન્યુઆરીથી સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ હોમ લોન પર એક્સટર્નલ બેંચ માર્ક રેટ (ઈબીઆર) ના દરો પર 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે એસબીઆઈ હોમ લોન પર લઘુત્તમ વ્યાજદર 7.90 ટકા થઈ ગયું છે.

ATM માંથી કેશ ઉપાડવાની રીત બદલી :

તેમજ એસબીઆઈના એટીએમમાંથી કેશ કાઢવાની રીત પણ બદલાઈ ગઈ છે. હવે 10 હજાર રૂપિયાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન પર બેંક વન ટાઈમ પાસવર્ડ જનરેટ કરશે. એના અંતર્ગત રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એટીએમમાંથી પૈસા કાઢવા માટે તમારે બેંકમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી આપવો પડશે.

ટ્રાઈએ આપી ખુશખબર :

નવા વર્ષની શરૂઆત સાથે ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) એ સામાન્ય લોકોને મોટી રાહત આપવાનું એલાન કર્યું છે. હવે તમે 130 રૂપિયામાં 200 ચેનલ જોઈ શકશો. પહેલા કેબલ ટીવી ગ્રાહકોને 130 રૂપિયામાં ફક્ત 100 ફ્રી ટુ એયર ચેનલ મળતી હતી. ટેક્સ જોડીને આ 154 રૂપિયાની નજીક પહોંચે છે. એમાંથી 26 ચેનલ ફક્ત પ્રસાર ભારતીની હોતી હતી. એનાથી વધારે પોતાની મનપસંદ ચેનલને જોવા માટે નક્કી કરેલી રકમનું પેમેન્ટ કરવું પડે છે. જો કે ટ્રાઈનો નવો નિયમ 1 માર્ચ 2020 થી લાગુ થશે.

હવે રેલવેની ફક્ત એક હેલ્પલાઇન :

1 જાન્યુઆરીથી ભારતીય રેલવેના અનેક હેલ્પલાઇન નંબરની જગ્યાએ ફક્ત એક નંબર “139” નંબર એક્ટિવ થયો છે. કહેવાનો અર્થ છે કે, હવે યાત્રીઓએ અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી. હવે તમે ફક્ત 139 નંબરનો ઉપયોગ કરી રેલવે સાથે જોડાયેલી દરેક સમસ્યા ઉકેલી શકે છે.

ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પર રાહત :

1 જાન્યુઆરીથી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા પૈસાની લેવડદેવડ મફત થઈ ગઈ છે. હવે એના દ્વારા 2 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક આ સુવિધા મળે છે. આ રીતે રૂપે કાર્ડ અને UPI ડિજિટલ ચુકવણી પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) થી પણ રાહત મળી છે. એમડીઆર એક ફી છે, જે દુકાનદાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ લેવા પર તમારી પાસેથી લે છે.

28 નવા આધાર સેવા કેંદ્ર :

નવા વર્ષમાં ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ) એ આખા દેશમાં 28 આધાર સેવા કેન્દ્ર (એએસકે) ખોલ્યા છે. આ આધાર સેવા કેંદ્ર બેંકો, પોસ્ટઓફિસ અને રાજ્ય સરકારો દ્વારા સંચાલિત 38,000 આધાર નામાંકન કેંદ્રો સિવાયના છે. જણાવી દઈએ કે, આધાર સેવા કેંદ્ર અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લા રહે છે. અત્યાર સુધી આ કેંદ્રોએ ત્રણ લાખથી વધારે રહેવાસીઓને સેવાઓ આપી છે.

આરબીઆઇની ‘MANI’ એપ :

દૃષ્ટિબાધિતોને ચલણી નોટોની ઓળખ કરવામાં કોઈ મુશ્કેલી ન થાય, એટલા માટે ભારતીય રિઝર્વ બેંકે ‘MANI’ નામની મોબાઈલ એપ લોન્ચ કરી છે. આરબીઆઈ અનુસાર આ એપ્લિકેશન ઓફલાઈન પણ કામ કરે છે. યુઝર્સ એંડ્રોઇડ પ્લે સ્ટોર અથવા આઇઓએસ એપ સ્ટોરથી ‘MANI’ (Mobile Aided Note Identifier) નામની આ એપને ડાઉનલોડ કરી શકે છે.

12 રાજ્યોમાં એક કાર્ડથી રાશન :

આમ તો આ વર્ષે જૂનમાં આખા દેશમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ થઈ જશે, પણ એ પહેલા દેશના 12 રાજ્યોમાં એક જાન્યુઆરીથી આ યોજના લાગુ થઈ ગઈ છે. આ રાજ્ય – આંધ્રપ્રદેશ, તેલંગાના, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રેદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરા છે.

જણાવી દઈએ કે, ‘વન નેશન વન રાશન કાર્ડ’ કેંદ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે, એના અંતર્ગત આખા દેશમાં પીડીએસના લાભાર્થીઓને ક્યાંય પણ સાર્વજનિક વિતરણ પ્રણાલી અંતર્ગત સંચાલિત રાશનની દુકાનો પરથી એમના ભાગનું રાશન મળશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.