આપણે વિકાસનો હોલા ઉપાડ કરશું તો જ આઝાદ ભારત વિકાસને પામશે, વિસ્તારથી સમજો આ વાત.

આઝાદ ભારત : વિકાસનો હોલા ઉપાડ!

– હરિકૃષ્ણ શાસ્ત્રી

ઇતિહાસ કરવટ બદલે છે, પણ બદલીને ખાઈમાં પડે તો? આખેઆખી યુગો જૂની સભ્યતાને પણ તોપના નાળચે ફૂંકી મારે, અફઘાન-તાલિબાનની જેમ! અને કરવટ બદલીને ઈંચ ઈંચ ઊંચા મુકામ તરફ સરકવા લાગે તો? સ્થિરતા, સફળતા, સમૃદ્ધિ અને સહયોગ સુધી પહોંચાડી દે. જ્યાં પહોંચવા ભારત આજે ઇંચ દર ઇંચ આગળ વધી રહ્યું છે.

પણ સાચું કહું તો હવે એક એક ઇંચ આગળ વધવા માટેની ધીરજ ખૂટી છે, એટલે એક બે ફૂટ કે પછી મીટર, બે મીટરની છલાંગો વિકાસ માટે કરતા રહેવાની આદત પાડવી અનિવાર્ય થઈ જવી જોઈએ.

કેમ કે વિકાસની “આતુરતાપૂર્વક રાહ” જોવાથી જે લાભ થતો નથી, તે વિકાસ તરફ રોજ એક-એક ઈંચ આગળ વધવાના પુરુષાર્થથી થઈ શકે છે. આવી જ ફિલોસોફી આજની વિકાસ-રફતારમાં તમે જોઈ શકો છો?

આજકાલ તમને વિકસી રહેલા ભારતની બદલાઈ રહેલી કરવટોની સરસરાહટ સંભળાય છે?

પાર્લામેન્ટના વાતાવરણમાં પોગાસસના પોલા આક્ષેપોના સંગીન ઉહાપોહ વચ્ચે પણ જનહિતના આધારે રોજ છ, આઠ કે દસ બિલ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. યુપીના બાહુબલીઓ દરમાં ઘૂસીને ફૂંફાડા મારવાના પણ ભૂલી ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને માત્ર એક મહિનાની અધ્યક્ષતા મળી, અને દસ-બાર દિવસમાં ચીનને ડિપ્લોમેટિક રીતે એકલું અટૂલું કરી દઈને તેના વિસ્તારવાદના ધખારા શમાવવાનો ઊભરતો પાવર ભારતને વિશ્વ નેતૃત્વના વરદાન તરફ ખસેડી રહ્યું છે.

દેશના યુવા ખેલાડીઓ ઓલિમ્પિક જેવા વિશ્વ ખેલ મહાકુંભમાં અત્યાર સુધીના સૌથી વધુ પદકો જીતે છે, કે પછી નિષ્ફળ ગયેલી હોકી ટીમની દીકરીઓને સ્વયં પ્રધાનમંત્રીનું સીધું જ અને પિતૃવત્ મોટિવેશન મળે છે. આ બધાં ચિહ્નો આપણને કશુંક સારું થઈ રહ્યું છે તે બાબતે થોડું હરખાવા પ્રેરે છે?

લદાખ ઉચ્ચ કેળવણીનું હબ બનવાના નિર્ણયો, 370 ની કલમની નાબૂદી પછી કાશ્મીરના લાલચોક પર તિરંગાની લાઈટોથી સુશોભિત ટાવરની નિર્ભિક રોશની, સી.એ.એ અને એન.સી.એ. ના કાનૂનના પડઘાતા પડઘમ, છેલ્લાં અનેક વર્ષોથી વિદેશી સત્તાઓ સાથે ડિપ્લોમેટિકલી વિકસતા સંબંધોનો દરજ્જો, ચાઇનાથી થાકેલી સેંકડો કંપનીઓનું ગુજરાત, યુ.પી. અને મહારાષ્ટ્રમાં આગમન,

ખેલરત્ન એવોર્ડમાં ધ્યાનચંદ જેવા લીજેન્ડરી રમતવીરનું અમર પ્રદાન યાદ કરવા ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડનું નામકરણ, ખેડૂતોના ખાતામાં સીધી જમા થતી વાર્ષિક ૨૦ હજાર કરોડની માતબર રાશિ, ડિજિટલ મની ટ્રાન્સફરનો વધતો રેશિયો, અને એ કારણે મહદંશે કાળા ધન ઉપર લાગેલી લાગી રહેલી બ્રેક. આ અને આવું બધું ઘણુંય ૭૫ મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠે ભારતની કોટમાં પહેરાવેલા સન્માનના પુષ્પહારોથી ઓછું હોય તેવું લાગે છે?

ઇતિહાસની કરવટ બદલનાર વિકસિત દેશ થવાના રસ્તે ઇંચ દર ઇંચ ખસી રહેલા ભારતમાં શું હવે કોઇપણ રુકાવટ નથી?

આજે ઇંટરનેશનલ ફ્લાઇટો ચાલુ ન થવાને કારણે ભારતમાં મજબૂરીથી રોકાઈ પડ્યા છે, તેવા કોઈ વિચારશીલ અને વિચક્ષણ એન.આર.આઈ. યુવાનને મળજો. જે ભારત સાથે મનોમન ભક્તિભાવથી જોડાયા છે, અને દુનિયાભરના સંદર્ભોને વાંચવાની ટેવ જીવનમાં આત્મસાત્ કરી ચુક્યા છે, તેવા કોઈ યુવાન મળે તો પૂછજો, એવા વિચક્ષણ યુવાનો તમને એક જ ઝાટકે વિચારતા કરી મૂકશે. તેઓ કહેશે કે હજુ ભારતને દુનિયાના દેશોના વિકાસ સુધી પહોંચવા કદાચ બસો વર્ષ લાગી જશે!

આમ કેમ? ઘણાં બધાં વિકાસ કાર્યો થયાં પછી અને ઘણાં બધાં વિકાસ કાર્યો કર્યા પછી પણ આપણા યુવાનો આજના, અને નજરે દેખાઈ રહેલા વિકાસથી સંતુષ્ટ નથી જ. તો તેનું કારણ શું?

ચેતન ભગત લખે છે કે શિક્ષણ ઓ.બી.સી., એસ.સી એસ.ટી.ના જટિલ જાળાઓમાં અટવાયું છે. અને પ્રતિભાની પરખ બિલકુલ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. અભિષેક સંઘવી કહે છે કે ફોકસ સાથેની જિંદગીની ગેમ જીતવા નાનપણથી કોઈ જ તાલીમ અપાતી નથી. અનુરાગ ઠાકુર કહે છે કે દરેકે દરેક વિપક્ષની ભૂમિકા પ્રતિદિન વધુને વધુ વિધ્વંસક થતી જાય છે.

સદ્ગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે ડબલ સ્ટાન્ડર્ડ લાઇફને કારણે નૈતિક અને વ્યાવહારિક જીવનમાં ભયાનક તણાવો સર્જાયા છે. અને તેથી પારિવારિક સંતુલન પણ સાધી શકાતું નથી. શ્રી શ્રી રવિશંકર કહે છે કે પ્રેમ, કરુણા અને વાત્સલ્યની ભારતીય ભાવનાઓની જ્યોતિ વા સના, વિકૃતિ અને જૂઠના વાવાઝોડાથી ઓલવાઈ જવાના વાંકે જીવે છે.

કલામ સાહેબ કહે છે કે મહાન લક્ષ્ય, જ્ઞાનનું અર્જન, અને કઠોર પરિશ્રમ, આ ત્રણેયનો અભાવ મહાન રાષ્ટ્ર બનવામાં સૌથી મોટી બાધાઓ છે. નરેન્દ્ર મોદી કહે છે કે તમે જેવો બદલાવ દેશમાં ઇચ્છો છો, તેવા બદલાવની શરૂઆત તમારા પોતાથી અને તમારી આસપાસથી કરી જોજો. જો તમે એમ નથી કર્યું, તો તમે કે હું બધા દંભ અને દેખાવમાં જીવી રહ્યા છીએ. અધધધ વિચારો છે, દેશહિતના પુરસ્કર્તાઓ પાસે! પણ સત્ય એ છે કે આટલા વિશાળ, હુંસાતુંસી અને મારા-તારાના ટનબંધ કીચડમાં ફસાયેલા ભારેખમ દેશને વિકાસના આકાશ તરફ ઉડાડવો, તો ઉડાડવો કઈ રીતે?

વિશાળ હોય તોય ઉડાડી શકાય, ભારે હોય તો પણ ઉડાડી શકાય! પણ વિભિન્ન વિકૃતિઓના શિકાર બનેલા બોજા સાથેના દેશને કેવી રીતે ઉડાડી શકાય?

પ્રમુખસ્વામી મહારાજને ચિત્રલેખાના પૂર્વ તંત્રી સ્વ. હરકિસન મહેતાએ પૂછ્યું હતું : ભારત દેશનું ભવિષ્ય આપ કેવું જુઓ છો?

સ્વામીજીએ કહ્યું હતું કે શાસ્ત્રોના આદેશોથી યુક્ત, કર્મઠ અને આત્મવિશ્વાસ સાથે જો સન્માર્ગ તરફ પુરુષાર્થ કરવામાં આવશે, તો ભારતનું ભવિષ્ય સારું જ છે. અને તેમ ન થાય, તો એવી રીતે વર્તનાર ગુરુઓ, માર્ગદર્શકો, ભારતને સમયે સમયે જરૂર મળતા રહેશે. એટલે ભલે થોડી વાર લાગે, ધીરજ ગુમાવવાની જરૂર નથી. આ દેશ ભગવાનના અવતારો, સંતો, ઋષિઓ, મહાપુરુષોની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. આ દેશનું અહિત તો નહીં જ થાય. પણ જો સૌ સાથે મળીને હોલા ઉપાડ કરે તો રાષ્ટ્રની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં…”

સ્વામીશ્રીના ઉપરોક્ત વિધાનમાં સૌથી મોટી શરત છે, હોલા ઉપાડની. પારધીની જાળી એકાદ કબૂતરથી ઊંચકાઈ શકાઈ હોત? પણ સર્વહિતની ભાવના રાખનારા લીડર કબૂતરે સંકેત કર્યો : ગેટ, સેટ ગો! અને એકસાથે હોલા-પારેવા-કબૂતરોએ પાંખો વીંઝી અને સૌ સાથે ઊડીને બચી ગયા.

જાળ કાપનાર ઉંદર સાથેના મૈત્રી સંબંધો કામ લાગી ગયા. અને પારેવાઓએ ઉમંગથી આખું આકાશ ભરી દીધું. વાત અહીં દેશને વ્યસનમુક્ત કરવાના, સ્વચ્છ બનાવવાના, વિકૃતિઓના બોજથી હળવો કરવાના અને આળસ-અજ્ઞાન-ભ્રષ્ટાચાર તેમજ અંધશ્રદ્ધાથી મુક્ત કરવાના હોલા ઉપાડની છે.

વિકાસ તો આંખો ફાડીને રાહ જોઈને બેઠો છે કે હું ભારતમાં આવું… ભારતમાં આવું…

પણ આપણી હજારો-લાખો કુટેવો સાથે આપણી નાની કે મોટી ટણીથી જ એ બિચારો ગભરાઈને દૂર બેસી રહ્યો છે…

તેના સ્વાગત માટે લાલ જાજમ ન બિછાવીએ તો કંઈ વાંધો નહીં, પેલી “હમ નહીં સુધરેંગે” ની ટણીવાળી અણી બુઠ્ઠી કરી શકાય?

આઝાદ ભારતની આ જ આપણી સૌથી મોટી સેવા હશે !.

જયહિન્દ!

– હરિકૃષ્ણ શાસ્ત્રી