દિલ્લી નજીક એક ગામ એવું પણ છે, જ્યાં 50 વર્ષથી પરપસ્પર ઝગડાનો કોઈ કેસ દાખલ જ નથી થયો જાણો વિગત

આજના સમયમાં નાનકડી વાત પર લોકો મરવા-મારવા પર ઉતરી આવે છે. એવામાં દિલ્લી પાસે આવેલા હરિયાણાના જીંદ જિલ્લાના ઉચાના બ્લોકના ગામ રોજખેડામાં ઝગડો થવા પર લોકો પોલીસ સ્ટેશન નથી જતા. પરસ્પર ઝગડાને પંચાયતમાં જ બેસીને ઉકેલી લેવામાં આવે છે. આ કારણે છેલ્લા 50 વર્ષમાં આ ગામમાંથી પરસ્પર ઝગડાનો કોઈ મામલો ન તો પોલીસ સુધી પહોંચ્યો, અને ન તો એવો કોઈ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો.

સર્વસંમતિથી ગ્રામીણોએ પસંદ કર્યા સરપંચ :

જીંદ-નરવાના નેશનલ હાઇવે પર આવેલા બડૌદા ગામથી નગુરા તરફ આવતા લિંક માર્ગ પર આવેલું છે રોજખેડા ગામ. વસ્તીના હિસાબે આ ગામ ભલે નાનું છે, પણ પોતાનામાં જ તેણે એક ઉદાહરણ કાયમ કરી રાખ્યું છે. ગ્રામીણોને પણ યાદ નથી કે છેલ્લી વાર પરસ્પર લડાઈ-ઝગડાનો મામલો કયારે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ સમયે ગામમાં રણધીર સિંહ સરપંચ છે. રણધીર સિંહને કોઈ પણ જાતના વિવાદ વગર સર્વસંમતિથી સરપંચના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા.

પંચાયતમાં ઉકેલાય જાય છે દરેક વિવાદ :

સરપંચ રણધીર સિંહ જણાવે છે કે, ગામમાં ઝગડા તો થાય છે પણ એવી પરિસ્થિતિ ક્યારેય નથી આવી કે પોલીસ સ્ટેશન જવું પડે. જો કયારેય ઝગડો થાય છે તો પંચાયતમાં બેસીને પરસ્પર મામલાને ઉકેલવામાં આવે છે. ગામમાં જાટો(ખેતીવાડી વગેરે કરતી એક જાતિ) સિવાય મુસ્લિમ અને વાલ્મિકી પણ રહે છે. દરેક લોકો ભાઈચારાની ભાવનાથી રહે છે, અને એક-બીજાનો સુખ-દુઃખમાં સાથ આપે છે. ગામમાં કોમન સર્વિસ સેંટરથી લઈને સરકારી સ્કૂલ અને આંગણવાડી કેંદ્ર સહીત બીજી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે.

સાક્ષરતામાં પણ અગ્રણી છે રોજખેડા ગામ : સોનુ

ગામના યુવા સોનુએ જણાવ્યું કે, સાક્ષરતા દરમાં પણ તેમનું ગામ અગ્રણી ગામોમાં ગણવામાં આવે છે. જો કે ગામની વસ્તી ઓછી છે પણ વસ્તીના હિસાબે સાક્ષરતા દર ઘણો ઊંચો છે. તેમના ગામમાં 5 જેબીટી માસ્ટર, 7 સ્કૂલ લેક્ચરર, 1 કોલેજ લેક્ચરર, 7 યુવા આર્મીમાં અને 7 યુવા પોલીસમાં નોકરી કરી રહ્યા છે.

પરસ્પર ભાઈચારાનું ઉદાહરણ કાયમ કર્યું – પોલીસ

ઉચાના પોલીસ સ્ટેશનના એસએચઓ દેવેંદ્ર કુમાર પણ તેની પુષ્ટિ કરે છે. તેમણે જણાવ્યું કે રોજખેડા ગામમાં પરસ્પર લડાઈ ઝગડાના મામલામાં કોઈ પ્રકારની ફરિયાદ નથી આવતી. નાના-મોટા ઝગડા થઈ પણ જાય છે, તો પંચાયતમાં જ ઉકેલી દેવામાં આવે છે. ગામમાં કોઈ પણ વ્યક્તિનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. બીજા ગામોએ પણ રાજખેડાથી પ્રેરણા લેતા પરસ્પર ભાઈચારાનું ઉદાહરણ કાયમ કરવું જોઈએ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ