જ્યારે સંકટનો સમય હોય ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ? વાંચો આજની ચાણક્ય નીતિ.

ચાણક્યની આ વાતો છે ઘણી કામની, જાણો મુશ્કેલ સમયમાં વ્યક્તિએ શું કરવું જોઈએ જેથી તે સમય સહેલો થઇ જાય.

આચાર્ય ચાણક્યએ મનુષ્યોના કલ્યાણ માટે ઘણી બધી વાતો જણાવી છે. તેમણે ચાણક્ય નીતિ શાસ્ત્રની રચના કરી જેમાં એવી ઘણી નીતિઓ છે જે અપનાવીને વ્યક્તિ સફળતાના ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. ચાણક્યએ મુશ્કેલ સમય માંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ તેના વિષે પણ જણાવ્યું છે. હંમેશા સંકટ સમયે લોકોનો વિવેક કામ નથી કરતો. તેના લીધે વ્યક્તિએ જાન-માલની હાનીનો સામનો કરવો પડે છે. એવી સ્થિતિમાં આચાર્ય ચાણક્યની આ વાતો ઘણી કામ લાગશે.

સંકટના સમયે રાખો આ વાતોનું ધ્યાન :

ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ સંકટના સમયે વ્યક્તિએ શું કરવું અને કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિષે જણાવ્યું છે. પાંચમાં અધ્યાયના ત્રીજા શ્લોકમાં આચાર્ય ચાણક્ય જણાવે છે કે,

तावद् भयेषु भेतव्यं यावद् भयमनागतम् ।

आगतं तु भयं दृष्ट्वा प्रहर्तव्यमशङ्कया।।

અર્થ – કોઈ પણ પ્રકારના દુઃખ, મુશ્કેલી કે સંકટથી તે સમય સુધી ડરવું જોઈએ જ્યાં સુધી તે તમારાથી દુર છે. પણ જયારે તે સંકટ કે મુશ્કેલ સમય તમારી સામે આવી જાય, કે તમારા માથા ઉપર આવીને ઉભી રહી જાય તો નીડર થઈને, કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર તેની ઉપર પ્રહાર કરો, તેનો સામનો કરો. મુશ્કેલી સામે જીતવાનો અને તેનાથી છુટકારો મેળવવાનો આ એક સરળ રસ્તો છે. જે વ્યક્તિ આમ કરે છે તે બુદ્ધિશાળી કહેવાય છે.

તે ઉપરાંત ચાણક્ય નીતિના પહેલા અધ્યાયના સાતમાં શ્લોકમાં આચાર્ય ચાણક્ય જણાવે છે,

आपदर्थे धनं रक्षेच्छ्रीमतां कुत आपद:।

कदाचिच्चलिता लक्ष्मी: सञ्चितोऽपि विनश्यति।।

અર્થાત – વ્યક્તિએ ભવિષ્યમાં આવનારા કોઈ પણ મુશ્કેલ સમયને પહોંચી વળવા માટે ધન સંગ્રહ કરવું જોઈએ, કારણ કે ધન એટલે દેવી લક્ષ્મીનો સ્વભાવ ચંચળ હોય છે અને તે દરેક વખતે એક જ સ્થાન ઉપર નથી રહેતી. એટલા માટે એક સમય એવો પણ આવે છે જયારે એકઠા કરવામાં આવેલા રૂપિયા પૈસા પણ નષ્ટ થઇ જાય છે. એટલા માટે આવનારા સમયને ધ્યાનમાં રાખીને ધનની બચત કરવી જરૂરી છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.