શિલાજીત શું છે અને તે ક્યાં થાય છે? વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ભાષામાં મેળવો તેની A ટૂ Z માહિતી.

શિલાજીત એટલે શું? તે ક્યાં થાય? તેને ઓળખવું કેવી રીતે? આ તમામ પ્રશ્નોના જવાબ તમને અહીં મળશે. આવો વૈદ્ય જીતુભાઇએ આપેલી જાણકારી પ્રમાણે શિલાજીત વિષે જાણીએ.

હમણાં એક ગ્રુપમાં શિલાજીત વિશે ચર્ચા જોઇ. જેટલા મુખ એટલી વાતો. કેટલીક તો એટલી હાસ્યાપ્રદ કે હસવું રોકી ના શકાય. આયુર્વેદની ઔષધિ એટલે જડીબુટી માટે જો અંધકાર હોય તો આયુર્વેદ વિસરાતી કડી જેને રસ પરંપરા એટલે કે રસાયણ વિદ્યા કે રાસવિદ્યા માટે તો ખુદ મોટા ભાગના વૈદ્ય સમાજ અને આયુર્વેદ ડોકટરોમાં પણ પૂરતી માહિતી ના હોય ત્યાં આમ આદમીના જ્ઞાનનું પૂછવુ જ શું?

આયુર્વેદમાં ચરક અને શશ્રુત ઉપરાંત નાગાર્જુન પરંપરા છે જે રસવિદ્યા તરીકે ઓળખાય છે. એમાં કામ કરનાર રસવૈદ્ય હોય. રસવૈદ્ય એટલે ઉંચી કક્ષાના વૈદ્ય. એમાંય બે પેટા વિભાગ પડે છે. લોહસિદ્ધ વૈદ્યને દેહસિદ્ધ વૈદ્ય. એની ચર્ચા ક્યારેક કરીશું નિરાંતે, કેમકે નાસ્તિકોનો સામનો ત્યાં કરવાનો રહેશે. પણ આ દેશ એટલે કે ભારતમાં આ રસાયણ વિદ્યા જેને કીમિયા વિદ્યા કે કિંમયાગીરી કહેવાતી તેના ઉપરથી અલકીમિયા બન્યું ને છેવટે કેમિસ્ટ.

હું એ ઉત્તર ગુજરાતની રસ પરંપરાનો છેલ્લો બચેલા વૈદ્ય છું. પછી રામ જાણે. આ રસ માટે જે મહેનત અભણ કે આયુર્વેદની કોઈ જાણકારી કે કોલેજ અભ્યાસ વગરના માણસો પાસે છે, તે ભારતની કોઈ મોટી આયુર્વેદ કોલેજના કહેવાતા phd પ્રોફેસર પાસે પણ નથી હોતી. પારદ પર અને ધાતુને ખનીજ કે ક્ષારો પર અદભુત કાર્ય આ દેશમાં થયું છે. થાય છે (આજે ખાનગીમાં) અને થતું રહેશે.

જય મહાકાલ. જય શિવ પાર્વતી. કેમકે રસ તંત્રના અધીસ્થ દેવતા આ છે. એટલે એમની જય સાથે શિલાજીત વિશે જાણીશું. આધુનિક અને આયુર્વેદના આધારે.

શિલાજીત :

સંસ્કૃત… શિલાજતું, શીલા નિર્યાસ, ગિરિજ, અશમજતુ વગેરે શબ્દ છે.

હિમાચલમાં સલાજીત કહે છે. (હું રૂબરૂ ત્યાં શિલાજીત માટે રખડયો છું. રોહતંગ પાસ પાસે લાહુડી ગામ છે. ત્યાં આસપાસના પ્રદેશમાં ખાસ લોકો આ એકઠું કરે છે.) ઉર્દુમાં તેને હજરત ઉલમુસા, અંગ્રેજીમાં આસ્ફાલ્ટ, મીનલર પિંચ, બ્લેક બિનટુ મેન કહે છે.

શિલાજતુંમાં શીલા એટલે પથ્થર કે પહાડ, જતું એટલે ગુંદ કે લાખ. પહાડોમાં ગરમીથી રક ચીકણો ગુંદ જેવો પદાર્થ ચોક્કસ જગ્યાએ નીકળે છે, તે ધીમે ધીમે ત્યાં જામી જાય છે. તે ત્યાં રેલાના રૂપે જામી જાય છે. જેને ત્યાંની પહાડી ભાષામાં પહાડના રુદનના આસું પણ કહે છે. જેમ આપણે ત્યાં મધ મેળવવા માટે એક ખાસ કોમ ઉનાળામાં વગડે ફરી મધ એકઠું કરીને વેચતી, તેમ ત્યાં પણ આવી જ ખાસ કોમના માણસો આ કાર્ય કરે છે. હવે થઈ તેને સરકારી ઠેકા રૂપે વ્યવસ્થિત રૂપે ચાલુ કરાયું છે.

શિલાજીત શું છે?

જન માનસમાં શિલાજીત એ પહાડોનો ગુંદ છે એવી માન્યતા છે, જે એમની સમજ પ્રમાણે સાચી છે. કેમકે જેમ વૃક્ષના કાપા કે ચીરામાંથી ગુંદ નીકળે તેવીજ રીતે શિલાજીત પહાડો પર નીકળે એટલે તેને ગુંદ માની લીધો.

વૈજ્ઞાનિક રૂપે જ્યાં જ્યાં લિગ્નાઇટના પહાડો જેને પથ્થરના કોલસા કહે અથવા શીલા તૈલ (આ શબ્દ પણ પેટ્રોલિયમના સંદેભે આયુર્વેદ કીમિયામાં વપરાયેલ છે.) આદિ ખનીજ પદાર્થ હોય ત્યાં ગરમીના દિવસોમાં એક કપિલ કે કાળા રંગનો સ્ત્રાવ નીકળે તેનું નામ શિલાજીત. આમ એકલા હિમાલય જ નહીં તમામ પહાડોમાં આ પ્રક્રિયા જોવા મળે. જ્યાં એ પ્રકારની ઉપલબ્ધી હોય ત્યાં બધેજ. દેશ નહીં વિદેશમાં પણ મળે. (એક જાણીતી કંપની રશિયાથી મંગાવી વેચે છે.)

આ શીલાજીત આમ જોવા જાવ તો વનસ્પતિનું ધીમે ધીમે ભારે દબાણ અને ગરમીથી થતા વિઘટનથી થતું રૂપાંતરણ છે. વર્ષો પહેલા દબાયેલા વૃક્ષના અશ્મિઓમાંથી દબાણના કારણે તે પહાડોના કાણા કે ખાંચા કે તિરાડમાંથી બહાર આવે છે. જેમાં અશુદ્ધ શિલાજીત, શીલતેલ, ધાતુઓના અંશ, પાર્થિવ દ્રવ્યો ને એક વિશિષ્ટ તેલ હોય છે. આયુર્વેદની ભાષામાં તેમાં ઔદભીક, પાર્થિવ, જંગમ ત્રણેય પ્રકારના દ્રવ્યોનો અંશ છે.

રાસાયણિક પૃથ્થકરણ :

જળ 9.8 થી 12 %

ઑદભિજય દ્રવ્ય 56 થી 60%

ખનીજ દ્રવ્ય 32 થી 40%

લાઇમ 1.5 %

ફોસ્ફઓરિક એસિડ 0.16 %

સિલિકા 1.39 %

ગંધક 15 %

આમ જોવા જઈએ તો શિલાજીત એ હાઇડ્રોકાર્બન ઓફ બીટુ મિનિયસ નેચર કહેવાય. શિલાજીતમાં એક ખાસ પ્રકારની ગંધ આવે એ એનું એક્ટિવ તત્વ છે. જેને ગરમ કરવાથી તે ઉડયંનશીલ તેલ હોવાથી ઉડી જવાથી તેના ગુણ ઓછા થાય. માટે પુરાણા રસવૈદ્ય તેને સુર્ય તાપી બનાવી કામ લેતા. જે ઉત્તમ મનાયું છે. (પરદેશના ગાન ગાતા માણસો આ સમજે તો ખબર પડે કે આ દેશમાં ધાતુઓ પર કેટલું ઊંડાણ પૂર્વક સંશોધન થયેલ છે.)

શિલાજીત અધ્યાય 1.

વૈદ્ય જીતુભાઇ, ડીસા.