જયારે જિંદગીમાં તમને ધક્કો વાગે ત્યારે શું છલકાવું જોઈએ? વાંચો જીવન ઉપયોગી વાત.

જીવનમાં સુખી થવું હોય અને સુખ શાંતિથી જીવન જીવવું હોય, તો આપણે કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે. જો આપણે એવું નહિ કરીએ, તો તે ક્યારેય પણ આપણા મનને શાંત નહિ રહેવા દે. આપણી અંદર જે ખરાબ ભાવ રહેલા છે તેને દૂર નહિ કરીએ, તો તે બહાર છલકાશે અને નવી મુશ્કેલીઓ ઉભી કરશે. આવો એક ઉદારહણ દ્વારા આ વાત સમજીએ.

માની લો કે તમારા હાથમાં ચિલ્ડ લસ્સીનો છલોછલ ભરેલો ગ્લાસ છે, અને તમે તેને મોઢે માંડવાના જ છો કે ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે છે, અને તેનો ધક્કો તમારા હાથને વાગે છે, અને તે છલોછલ ભરેલા ગ્લાસમાંથી ચારે તરફ લસ્સી ઢોળાઈ જાય છે. હવે અમે તમને પૂછીએ કે, લસ્સી કેમ ઢોળાઈ ગઈ? તો તેના પર કદાચ તમારો જવાબ હશે કે, કોઈ પાછળથી ધક્કો મારે તો લસ્સી તો ઢોળાય જ ને?

જો તમારો જવાબ આ જ હોય તો જણાવી દઈએ કે, આ જવાબ સંપૂર્ણ સાચો નથી. તમારા હાથમાં રહેલા ગ્લાસમાંથી લસ્સી ઢોળાઈ છે, કારણ કે તે ગ્લાસ લસ્સીથી ભરેલો હતો. તેની જગ્યાએ જો તે ગ્લાસ કોલ્ડ કોકોથી ભરેલો હોત, તો કોલ્ડ કોકો ઢોળાત. જે વસ્તુ ગ્લાસની અંદર હોય એ જ છલકાઈને બહાર આવે છે.

હવે આપણે આ વાતનો આપણા જીવન સાથે શું સંબંધ છે તે સમજીએ. આ છલોછલ ભરેલો ગ્લાસ છે તે આપણે છીએ. એટલે જ્યારે આપણને આપણા જીવનમાં સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે ધક્કો વાગે છે, ત્યારે આપણી અંદર જે હોય એ જ બહાર છલકાય છે. એટલે જ્યાં સુધી આપણને ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર હોઈએ છીએ, અને સારા બનવાનો દંભ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણી સાથે આપણને ન ગમતું બને એટલે કે સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે ધક્કો વાગે ત્યારે હકીકતમાં આપણી અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

તો હવે આપણે જ આપણી જાતને પૂછવાનું છે કે, જિંદગીમાં ક્યારેય પણ આપણને ધક્કો વાગે ત્યારે શું છલકાશે? આપણામાંથી શું ઢોળાશે? ગુસ્સો, ખરાબ શબ્દો, અસત્ય, કડવાશ, ખરાબ વર્તન, માનવતા, આભાર, આનંદ, વિનમ્રતા કે પછી શાંતિ? આવા સમયે આપણામાંથી કશુંક સારું જ છલકાય કે ઢોળાય એવા આપણે થવું જોઈએ. તેના માટે જીવનને આનંદ, લાગણી, ક્ષમા, પ્રામાણિકતા, શાંતિ, દયા, પ્રેમ, સ્નેહભર્યા શબ્દો, હકારાત્મકતા અને સચ્ચાઈથી ભરવું પડશે. પછી ભલે જીવનમાં કેટલા પણ ધક્કા વાગે તો પણ આપણામાંથી કશુંક સારું જ છલકાશે. શાંતિથી બેસીને એકવાર આ વાત પર વિચાર જરૂર કરજો. તે તમારું જીવન બદલી શકે છે.