સિસ્ટમ સાથ ન આપતી હોય એવા ટાણે વિપરીત પરિસ્થિતિમાં પણ કામ કેવી રીતે કરી શકાય, વાંચો સત્યકથા

અભાવ વચ્ચે ભાવથી થયેલું કામ…

બોટાદ ન.પ્રા.શિ.સમિતિ હસ્તકની તુલસીનગર વિસ્તારની પ્રાથમિક શાળા નં-25માં મારા સહિત ત્રણ શિક્ષકો એ દિવસોમાં કામ કરતા હતા. મનજીભાઈ વડીલ અને મહેનતુ શિક્ષક હતા. બીજા એક શિક્ષક નવઘણભાઈ હતા. શિક્ષકોની ઘટ વચ્ચે અમારે કામ કરવાનું હતું.

તુલસીનગર સોસાયટીના અંદાજે 2500 ચોરસવાર જેવા કોમન પ્લોટમાં ‘સર્વશિક્ષા અભિયાન’ હેઠળ ગ્રાઉન્ડ ફલોર સાથે ગણીએ તો બે માળનું શાળા માટેનું બિલ્ડિંગ બની ગયું હતું. શરૂઆત હતી એટલે આ શાળામાં ફક્ત બિલ્ડિંગ સિવાય બીજી કોઈ વ્યવસ્થા ન હતી. વળી, તુલસીનગર વિસ્તાર આર્થિક નબળા લોકો માટે વિકસતો વિસ્તાર હોવાથી અને નગરપાલિકા બહારનો વિસ્તાર ગણાતો હોવાથી નગરપાલિકા આ શાળાને કોઈપણ મદદ કરવા માટે ઉંહકારે જતી હતી.

જૂન મહિનામાં નવું સત્ર શરૂ થયું એટલે ‘શાળા પ્રવેશોત્સવ-કાર્યક્રમ’ સાથે ખૂબ જ ઉત્સાહથી શાળાની શરૂઆત થઈ. લોકોમાં આ વિસ્તારમાં શાળા મળી એનો અનેરો આનંદ હતો. નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, શિક્ષણ સમિતિના ચેરમેન અને વિસ્તારના સ્થાનિક નગરસેવકો તથા અન્ય આગેવાનોની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો. ધો-૧ માં ૬૩ જેટલા બાળકોના પ્રવેશ સાથે અન્ય દૂરની શાળાઓમાંથી આ વિસ્તારમાં રહેતા બાળકોના સર્ટી આવતા કુલ ધો-૧ થી ૬માં બાળકોની સંખ્યા ૩૦૦ ના આંકડાને આંબી ગઈ.

નવી શાળાનો આનંદ અને બિલ્ડિંગ સિવાય શરૂઆતમાં આ શાળા પાસે બીજી કોઈ સગવડ નહોતી.એસ.એસ.એ.માં અને સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નવી શાળા અંગેની માહિતી મોકલાઈ ગયા પછી તૈયાર થયેલી શાળા હોવાના કારણે જે-તે વર્ષમાં શાળા ગ્રાન્ટ કે બીજી અન્ય ગ્રાન્ટ મળે એમ નહોતું.સરકારી ગ્રાન્ટ શાળાને છેક બીજા વર્ષે મળે એવો ઘાટ ઘડાયો હતો. છતાં અમે અમારા કાર્યનો ઉત્સાપૂર્વક આરંભ કરી દીધો હતો.

શાળા પાસે બિલ્ડિંગ સિવાય એક વિશાળ મેદાન હતું. શાળામાં શૌચાલય બ્લોકની સગવડ તથા લાઈટ કે પંખાની સગવડ નહોતી. એસ.એસ.એ.અંતર્ગત અપાયેલ કોન્ટ્રાકટમાં વીજળી અને પંખાની સુવિધા અલગથી અને વિલંબથી થાય એમ હતું. બાયસેગ ઉપર પ્રસારિત થતા કાર્યક્રમોથી બાળકો વંચિત ન રહે એ માટે અમે ગ્રાઉન્ડ ફલોરના રૂમોમાં લાઈટ ફીટીંગ ઘરના પૈસા રોકીને કરાવી દીધેલું.હવે વાત રહી નજીકમાં જ આવેલા થાંભલેથી વીજ કનેક્શન લેવાની.

સરકારની શાળાને મફત વીજ કનેક્શન અને મફત વીજળી આપવાની યોજના અમલમાં હોવાથી એ યોજના હેઠળ ફોર્મ ભરી શાસનાધિકારીશ્રીના સહી સિક્કા કરાવી હું ઉત્સાહપૂર્વક પી.જી.વી.સી.એલ.કચેરીએ દોડી ગયેલો.મને એમ હતું કે બધું ઝડપથી પતી જશે. પણ, એવું કાંઈ થયું નહીં.સર્કલ ઑફીસે મને ચીફ ઑફીસરના સહી સિક્કા કરાવી લાવવા જણાવ્યું.

હું નગરપાલિકા ઓફિસે દોડી ગયો.ચીફ ઓફિસરને મેઁ સહી સિક્કા કરી આપવા વિનંતિ કરી.શાળા પ્રવેશોત્સવ વખતે સાહેબે કહેલું કે “જ્યારે જરૂર પડે ત્યારે શાળાના કામ માટે આવી જજો, અમારા દરવાજા ખુલ્લા જ હશે.” એ વાત મને યાદ આવી ગઈ.સાહેબે થોડીવાર કાગળ આમતેમ જોયા પછી મને સંભળાવ્યું.

” આમા સહી નહીં કરી શકાય.”

‘કેમ ? મારાથી પૂછાય ગયું.

“તમારી શાળા નગરપાલિકા હદની બહાર આવે છે એટલે .”

‘પણ, સાહેબ ! શાળા તો નગરપાલિકા હસ્તકની છે. શાળા પ્રવેશોત્સવ વખતે આપ સૌએ જ રિબિન કાપીને એને ખુલ્લી મૂકી છે.’

મારાથી ન રહેવાયું એટલે હું બોલ્યો.

“તમારા માસ્તરોનો આ જ વાંધો. સહી તો નહીં થાય. લાઈટની જરૂર હોઇ તો એસ્ટીમેન્ટની રકમ બોર્ડમાં ભરી દ્યો.”

મને અઘરું લાગ્યું.નગરપાલિકા પ્રમુખને વાત કરી.આગેવાનોને વાત કરી.બોર્ડમાં ફરી વખત વિનંતિ કરી.કોઈ ઉકેલ ના આવ્યો એટલે 6500રૂપિયા ઘરના ભર્યા અને વીજ કનેક્શન લીધું.ગ્રાન્ટ ન હોવાથી ડિશ અને કેબલ પણ ઘરના પૈસે જ વસાવ્યું. આખરે ડીસ અને ટી.વી.ગોઠવાઈ ગયા એટલે અમારૂં ગાડું ગબડ્યું. આચાર્ય તરીકે મારી ફરજ અને જવાબદારી સમજીને આટલો ખર્ચ મેં જાતે ઉપાડી લેવાનું મન બનાવી લીધેલું.

શાળાને મોટું મેદાન હતું એટલે અમે એક મોટો બગીચો બનાવવાનું વિચારેલું.જૂનમાં શાળા શરૂ થઈ એટલે ચોમાસાની શરૂઆતના દિવસો હોવાથી વનવિભાગ પાસેથી અમે ૩૦૦ જેટલા નાના મોટા વૃક્ષો લઈ આવેલા. વન વિભાગ-બોટાદ પાસે સારા અને મોટા છોડ હોવા છંતા એ સમયે ખબર નહીં પણ અમને નાના અને માંડ-માંડ ઉછરે એવા જ છોડ મળેલા. ૩૦૦ વૃક્ષ અમે ૩૦૦ બાળકોના હાથે રોપી દીધેલા.

નવઘણભાઈ ત્રણેક મોટી વડલાની ડાળ કાપી લાવેલા. એ પણ રોપી દીધેલી. દરેક છોડને અમે વિશિષ્ટ નામકરણ કરેલું. કોઈ વિદ્યાર્થીનું નામ રમેશ હોય અને ઘરમાં અને શાળામાં મોન્ટુના હુલામણા નામે બોલાવવામાં આવતો હોય તો એણે વાવેલ પીપરનું નામ ‘મોન્ટુની પીપર’ એવું રહેતું.

એ જ રીતે ‘ગોટુનો લીમડો’, ‘ટીણાની ગોરસ આંબલી’ એવા વૃક્ષોના નામકરણ અમે કરી દીધેલ. વળી, કાપડના ખાલી થયેલા તાકાની અંદરની લાકડીઓ, કાપડના વેપારીની દુકાનેથી અમે લઈ આવેલા.આવી એકઠી કરેલી લાકડીઓ બબ્બે ફૂટના કટકે કાપીને, પતરાના ડબ્બા કાપી કાપીને બનાવેલ પ્લેટ જડી, ઉપર પાકા કલરથી ‘મોન્ટુની પીપર’, ‘ગોટુનો લીમડો’ એ રીતે લખી નાંખતા. દરેક ક્યારામાં આ રીતે નામકરણ સાથેના વૃક્ષો વાવેલા હોય. આમ કરવાથી ફાયદો એ થતો કે દરેક બાળક વ્યક્તિગત રીતે પોતાના હુલામણા નામ સાથેના છોડનું ખૂબ જ કાળજીપૂર્વક જતન કરતા હતા.

અમારી મુશ્કેલી હવે જ શરૂ થતી હતી. કમ્પાઉન્ડ વોલ ન હોવાથી વાવી દીધેલા વૃક્ષોને સાચવી કેમ રાખવા ? રખડતા ઢોર અને ભૂંડનો ત્રાસ ખૂબ હતો એટલે નાના ઝાડને નુકસાનીનો ખૂબ જ ભય રહેતો.ગ્રાન્ટના અભાવે દિવાલ થઈ શકે એમ નહોતી. તાર ફેન્સીંગનો ખર્ચ ક્યાંથી કાઢવો એ પ્રશ્ન હતો.

અમે ત્રણેય શિક્ષકોએ મંથન કર્યું. એક રસ્તો સૂઝયો. વનવિભાગ પાસેથી સિમેન્ટના પોલ અને કાંટાળો તાર મેળવીને ફેન્સિંગ કરવું. અમે ફોરેસ્ટ અધિકારીને મળ્યાં. સિમેન્ટના પોલ જ્યાં-ત્યાં રોડની સાઈડમાં અને નર્સરીમાંથી મળી રહે એમ હતા. 20 જેટલા પોલ હોય તો થઈ રહે એમ હતું. અમે પોલની માંગણી કરી. પણ, અમને પોલ ન મળ્યા.

કાંટાળા તારની માંગણી કરી તો એ પણ બહુ વિનંતિ અને થોડી રકઝક પછી માંડ મળ્યો. એકાદ આંટો માંડ વળી શકાય એટલો તાર લઈને અમે શાળામાં આવ્યા. ત્રણ કે ચાર તારની આંટી ન મારીએ ત્યાં સુધી બધુ નકામું એ અમે જાણતા હતા, છતાં હિંમત ન હાર્યા. એક આંટો મારવાનું નક્કી કર્યું.

પણ, પછી યાદ આવ્યું કે સીમેન્ટના પોલ તો છે નહીં. હવે કરવું શું ? વળી, ત્રણેય શિક્ષકોએ મંથન કર્યું. ઉપાય જડી ગયો. તુલસી નગરમાં રહેતા પરિવારો પૈકીના ૯૮% પરિવારો ચૂલે લાકડા બાળીને રસોઈ બનાવતા હતા. અમે પાંચમાં અને છઠ્ઠા ધોરણમાં ભણતા બાળકોને બળતણનું એક-એક મોટું લાકડું ઘેરથી લાવીને શાળાએ આવવાનું કામ સોંપ્યું.

જોત-જોતામાં મોટા કહી શકાય એવા બાવળના પચાસેક લાકડા એકઠા થઈ ગયા. અમે એનો સિમેન્ટના પોલની જગ્યાએ ઉપયોગ કર્યો. કાંટાળા તારનો એક આંટો બગીચા ફરતે પૂર્ણ કર્યો. થોડીક આડશ થઈ એટલે અમને થોડી રાહત થઈ. પણ, આટલી આડશ બગીચાને બચાવવા પૂરતી નહોતી.

વળી, મંથન થયું. વળી ઉપાય જડ્યો. સીમ અને વગડામાં જઈ અમે નેપાળો (એક છોડ-જેને પશુઓ ખાવાની વાત તો દૂર, પણ સૂંધતા પણ નથી) નામની વનસ્પતિના પુષ્કળ છોડ લઈ આવ્યા. નેપાળાના આ છોડ રોપીને અમે ૩૦૦ છોડ ફરતે ‘ગ્રીન પ્રટેકશન વોલ’ બનાવી દીધી.

અમને ચમત્કારિક પરિણામ મળ્યું. અમારા બગીચાને રખડતા ઢોરથી સંપૂર્ણ પ્રોટેકશન મળી ગયું. ત્રણસો બાળકો અને અમે ત્રણ શિક્ષકોના આનંદનો પાર ન રહ્યો. પણ, અમારો આ આનંદ વધુ ન ટક્યો. ૩૦૦ છોડને અમે ઢોરના ત્રાસથી તો બચાવી શક્યા, પણ એ વર્ષે ચોમાસુ નબળું અને ટૂંકુ રહેલું. એટલે બધા છોડ પાણીના અભાવથી મૂરજાવા લાગ્યા.

બગીચાને બચાવવો હોય તો બોર મૂકવો પડે પણ, પૈસા ક્યાં ? ગ્રાન્ટ તો હતી નહીં. તુલસીનગરમાં વસતા લોકો દિલેર હતા પણ દાન આપી શકે એવી ક્ષમતા જ નહોતી તો કરે શું ? વળી, મંથન થયું. મારે વૃક્ષો કોઈપણ રીતે બચાવવા હતા.બોર માટે મેં વિચારી લીધું હતું.

બીજા દિવસે બોરવેલ (બોર માટેની મશીનરી) આવી ગયુ. અઢીસો ફૂટ બોર સ્વખર્ચે પાડવો એવું નક્કી કર્યું. બોર પાડ્યો. પણ, નિરાશા ! બોર સાવ કોરો ગયો. પાણી તો ન આવ્યું પણ ભીની માટી આવી એટલે થોડી રાહત થઈ. આખા દિવસમાં અડધો કલાક મોટર ચાલશે એવો સૌએ અંદાજ લગાવ્યો. એક પ્રશ્ન પૂરો થયો ત્યાં બીજો પ્રશ્ન સામે આવી ઊભો રહ્યો. બોરમાં ઉતારવાની ઈલેક્ટ્રીક મોટર અને 250 ફૂટ પાઈપનું શું કરવું ? ટહેલ નાંખતા નાંખતા ‘નીલમ ટ્રેડર્સ’વાળા લાલજીભાઈ દાતા સ્વરૂપે મળી ગયા અને અમને મોટર મળી.

પંદર દિવસ બોરમાંથી થોડું પાણી મળી રહ્યું. પણ, પછી બોર સૂકાઈ ગયો. મારે વાવેલા વૃક્ષોને કોઈપણ ભોગે બચાવીને સામા ચોમાસા ભેગા કરવા હતા. એટલે મેં એક દેશી તુક્કો શોધી કાઢ્યો. મિનરલ વોટરની લિટર પાણી સમાઈ શકે એવી ૩૦૦ બોટલ હું લઈ આવ્યો. ખાલી બોટલ મેળવવામાં મને વધુ તકલીફ ન પડી. દરેક બાળકને મે એક એક બોટલ પકડાવી દીધી.

બાળક સવારે શાળાએ આવે ત્યારે લીટર પાણી ઘેરથી જ લાવે. આવીને પહેલું કામ પોતાના છોડને પાણી પાવાનું કરે. પછી જ પ્રાર્થના સંમેલન થાય. રિસેસમાં પણ મોટાભાગના બાળકો ઘરે જાય. રિસેસ પૂરી થાય એટલે બધા વળી પાછા બોટલ ભરી લાવે. આમ કરતા દિવસમાં બે-ત્રણ વાર અમારા વૃક્ષોને પાણી મળી રહેવા લાગ્યું. અમારા બધા જ વૃક્ષો સામા ચોમાસા ભેગા થઈ ગયા.

વૃક્ષો બચી ગયેલા જોઈને એ વર્ષે પછી સ્વખર્ચે બીજો બોર પાડવાનું નક્કી કર્યું.250 ફૂટ બોરના પૈસા મેઁ આપ્યા.એક કટકાના (20ફૂટના) પૈસા સામે રહેતા નાગરભાઈએ આપ્યા.એક એક કટકાના પૈસા હાલમાં જ બદલી થઈને આવેલા શિક્ષકો દયારામભાઈ, ભાવનાબહેન, હર્ષદભાઈ વગેરેએ આપ્યા.બોરમાં છેલ્લો કટકો પાળીયાદ બાપુની જગ્યાનું નામ લઈને ઉતાર્યો ને સૌના આશ્ચર્ય વચ્ચે રડી (ચાલી)જાય એટલું પાણી થયું. એ રીતે વૃક્ષો બચાવવાનો અમારો પ્રયાસ સફળ રીતે પૂર્ણ થયો.

સૌના આશ્વર્ય વચ્ચે એક હકીકત નોંધવા જેવી એ રહી કે આ સમગ્ર સમય દરમ્યાન અમારો એક પણ છોડ બળ્યો નહોતો કે એક પણ છોડને કોઈ બાળક કે કોઈ ઢોર-ઢાંખરે ખંડિત નહોતો કર્યો. મને પૂરો વિશ્વાસ છે ત્યાં સુધી એવું એટલા માટે થયું હતું કે અભાવ વચ્ચે અમારા 300 બાળકોએ ભાવથી કામ કર્યું હતું.આજે આ શાળામાં તડકાએ આવવું હોય તો વિચાર કરવો પડે એટલા ઘટાટોપ ઝાડવા લહેરાઈ રહ્યાં છે.

નોંધ: એ વર્ષે અમે શાળાના બગીચામાં ગલગોટાના ફૂલની ખેતી કરી હતી. 80 રૂપિયે કિલોના ભાવે અમે એ વખતે માળીને ફૂલો હોલસેલમાં વેચેલા.

-રવજી ગાબાણી