ઘર બનાવવા માટે કેવો પ્લોટ હોય છે શુભ અને કેવો પ્લોટ ખરીદવાથી રહેવું જોઈએ દુર? જાણો.

કેવી જમીન પર ઘર બનાવવાથી મળે છે લાભ અને કેવી જમીન પર રહેવાથી બચવું જોઈએ, જાણો તેના વિષે વિસ્તારથી.

જો તમે ઘર બનાવવા કે ખરીદવા વિષે વિચારી રહ્યા છો તો વાસ્તુ વિષે વિચાર કરવો પણ જરૂરી છે. મકાનમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહેવાથી ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થશે.

મકાન બનાવવા માટે ઘણા પ્રકારની જમીન એટલે પ્લોટ વિષે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે, જેમ કે વર્ગાકાર જમીન, આયતાકાર જમીન, વૃત્તાકાર જમીન, ચતુષ્કોણાકાર, ષષ્ટકોણાકાર, અષ્ટકોણાકાર, ગૌમુખાકાર, સિંહમુખાકાર, ભદ્રાસન જમીન વગેરે. આવો જાણીએ કેવા પ્રકારની જમીન માં નિવાસ કરવાથી શું લાભ મળે છે.

(1) વર્ગાકાર જમીન : જે પ્લોટની લંબાઈ, પહોળાઈ સરખી હોય અને દરેક ખૂણા 90 અંશના હોય કે ચારે બાજુ સમાન હોય, એવી જમીનને વર્ગાકાર કહે છે. આ જમીન સર્વશ્રેષ્ઠ પ્રકારની હોય છે, તેમાં નિવાસ કરવા વાળા લોકો હંમેશા સુખી અને સમૃદ્ધ હોય છે.

(2) આયતાકાર જમીન : બે બાજુઓ મોટી અને બે બાજુઓ નાની અને જેના ચારે ખૂણા 90 અંશના હોય એવા પ્રકારની જમીનને આયતાકાર કહે છે. આ મકાનમાં નિવાસ કરવા વાળા લોકો પાસે ધન-ધાન્ય અને પદ-પ્રતિષ્ઠા જળવાઈ રહે છે. ગૃહસ્થ જીવન માટે આ જમીન ઉત્તમ હોય છે.

(3) વૃત્તાકાર જમીન : જે જમીન ગોળાના આકારની હોય તેને વૃત્તાકાર જમીન કહે છે. સન્યાસી, સંતો અને આદ્યાત્મિક પુરુષોના નિવાસ માટે આ જમીન ઉપયુક્ત હોય છે.

(4) ષટકોણાકાર જમીન : છ ખુણા ઉપર છ બાજુઓથી યુક્ત જમીનને ષટકોણાકાર જમીન હોય છે. આ જમીન ઉપર નિર્માણ કરીને રહેવાથી ઘણી પ્રગતી થાય છે. ઘરના વડીલનું તેમના કુટુંબ ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહે છે.

(5) અષ્ટકોણાકાર જમીન : જે જમીન આઠ ખૂણા અને આઠ બાજુઓથી યુક્ત હોય છે તેને અષ્ટકોણાકાર જમીન કહે છે. આ જમીનમાં નિર્માણ કરીને રહેવાથી ધન-ધાન્યની વૃદ્ધી થાય છે અને કુટુંબમાં આંતરિક પ્રેમ જળવાઈ રહે છે.

(6) ગોમુખાકાર જમીન : જે જમીનનો આગળનો ભાગ ઓછો હોય છે અને પાછળની લંબાઈ વધુ હોય છે. તેને ગોમુખાકાર જમીન કહે છે. આ પ્લોટ ઉપર મકાન બનાવીને રહેવું અતિ-ઉત્તમ માનવામાં આવે છે. આ મકાન વ્યાપારિક દ્રષ્ટિકોણથી પણ શુભ માનવામાં આવે છે.

(7) સિંહમુખાકાર જમીન : જે જમીનનો આગળનો ભાગ વધારે હોય છે અને પાછળની ઓછો હોય છે. તેને સિંહમુખાકાર જમીન કહે છે. એવી જમીન ઉપર મકાન બનાવીને રહેવું શુભ નથી હોતું, પણ વ્યાપારિક સ્થાપના માટે આ મકાન શુભ હોય છે.

(8) ભદ્રાસન જમીન : જે જમીનની લંબાઈ અને પહોળાઈ સરખી હોય અને મધ્ય ભાગ સમતલ હોય તેને ભદ્રાસન જમીન કહે છે. એવી જમીન ઉપર મકાન બનાવીને નિવાસ કરવાથી તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. સુખ-સમૃદ્ધી, ઉત્તમ આરોગ્ય, શાંતિ અને પ્રગતિ તે તમામ સુખ પ્રાપ્ત થાય છે.

આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.