આ કંપનીએ બનાવ્યો હતો દુનિયાનો પહેલો ફોન, 10 કલાક ચાર્જિંગ કરવા પર થતી હતી ફક્ત 30 મિનિટ વાત.

વજનદાર હોવાની સાથે ઘણો મોંઘો હતો દુનિયાનો પહેલો ફોન, કિંમત એટલી કે તમે સપનામાં પણ વિચારી ન શકો.

આજના સમયમાં તમને દરેક માણસના હાથમાં સ્માર્ટફોન જોવા મળશે. એ સ્માર્ટફોન ત્રણ કેમેરા, બેઝલ લેસ ડીઝાઈન, ફિંગરપ્રિન્ટ સ્કેનર અને વધુ મેગાપીક્સલના કેમેરા સાથે આવે છે. અને 5G ટ્રાયલની પરમીશન પછી હવે દરેક કંપની માર્કેટમાં ઝડપથી 5G ફોન લોન્ચ કરવા ઉપર ફોકસ કરી રહી છે. એ બધા વચ્ચે આજે અમે તમને દુનિયાના પહેલા ફોન વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

શું તમને ખબર છે કે, દુનિયાના પહેલા ફોનનું નામ શું હતું? તેની કિંમત કેટલી હતી? તેમાં શું ફીચર્સ હતા? તેની બેટરી કેટલા mAh ની હતી? જાણકારી માટે જણાવી દઈએ કે, દુનિયાના પહેલા ફોનનું નામ Motorola DynaTAC 8000x હતું. આજના સમયમાં સ્માર્ટફોન કંપનીઓ જ્યાં એક બીજાને પાછી પાડવા અલગ અલગ ટેકનોલોજી લાવી રહી છે, એવામાં દુનિયાના પહેલા ફોનને મોટોરોલા કંપનીએ 48 વર્ષ પહેલા એટલે કે 1973 માં લોન્ચ કર્યો હતો.

48 વર્ષ પહેલા દુનિયાએ જોયો હતો પહેલો ફોન :

3 એપ્રિલ 1973 ના રોજ મોટોરોલાએ દુનિયાને પહેલો ફોન આપ્યો. આજકાલના સ્માર્ટફોન માટે લોન્ચ ઈવેંટ કે વર્ચુઅલ ઈવેંટનું આયોજન કરવામાં આવે છે. પણ તે દરમિયાન એવું કાંઈ જ કરવામાં આવ્યું ન હતું. તે દરમિયાન Motorola DynaTAC 8000x એક પ્રોટોટાઈપ હતો જેને ડોક્ટર માર્ટીન કપૂર દુનિયા સમક્ષ લઈને આવ્યા હતા. વાયરલેસ ટેક્નોલોજીથી કેવી રીતે વાત થાય છે, તે દેખાડવા માટે આ ફોન રજુ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન યુઝર્સ ઘરમાં લેન્ડલાઇન ફોનથી જ વાત કરી શકતા હતા કે પછી કાર ફોનની મદદથી. પણ પહેલી વખત ફોનની દુનિયામાં એક વાયરલેસ ફોન લોન્ચ કરવામાં આવી રહ્યો હતો.

વિચિત્ર હતી ફોનની ડીઝાઈન :

મોટોરોલાના આ ફોનમાં કોઈ ડિસ્પ્લે ન હતી. ફોનના બટન પણ ઘણા મોટા હતા અને ફોનનો લુક પણ ઘણો ભારે હતો. ફોન બનાવવા માટે કોઈ પણ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, પણ તેને સંપૂર્ણ રીતે હાથથી બનાવવામાં આવ્યો હતો. તે દરમિયાન ફોનને દુનિયા સામે રજુ તો કરી દેવામાં આવ્યો પણ તેને માર્કેટમાં કમર્શીયલ રીતે આવતા આવતા 10 વર્ષ લાગી ગયા.

ફોનને ડેવલપ કરવા માટે મોટોરોલાએ 100 મીલીયન ડોલર્સનું રોકાણ કર્યું હતું. ફોનને પહેલી વખત સેલ માટે 6 માર્ચ 1983 ના રોજ ઉપલબ્ધ કરાવ્યો. Motorola DynaTAC 8000x નું ફૂલ ફોર્મ ડાયનામિક એડેપ્ટીવ ટોટલ એરિયા કવરેજ હતું.

ચોંકાવનારા હતા ફોનના ફીચર્સ :

ફોનના ફીચર્સ વધુ ન હતા પણ જો આપણે તેની બેટરીની વાત કરીએ તો તે બેટરી સ્ટેંડબાઈ ટાઈમના હિસાબેથી માત્ર 6 કલાક સુધી ચાલતી હતી. એટલે કે તમે ફોનનો ઉપયોગ કરો કે ન કરો, વાત કરો કે પછી ફોનને એમ જ મૂકી રાખો. ફોનની બેટરી સ્ટેંડબાઈ ટાઈમ પૂરો થતા જ 0 ટકા થઇ જતી હતી. ફોનની સૌથી વિશેષ વાત એ હતી કે, તેની બેટરીને ફૂલ ચાર્જ કરવા માટે 10 કલાકનો સમય લાગતો હતો અને એટલા સમયના ચાર્જીંગ ઉપર લોકો માત્ર 30 મિનીટ સુધી જ વાત કરી શકતા હતા.

ફોન ઘણો મોટો હતો, તે એક ઈંટ જેવો દેખાતો હતો જેનું વજન લગભગ 800 ગ્રામ હતું. અને ફોનની ઉપર એક એંટીના પણ લાગેલું હોતું હતું. તે ફોન તે સમયે માત્ર શ્રીમંતો માટે બનાવવામાં આવ્યો હતો. એટલે કે બિઝનેસમેન તેમના બિઝનેસને વધારવા માટે આ ફોનનો ઉપયોગ કરતા હતા. તે દરમિયાન તેના માટે કોઈ કવર આવ્યા ન હતા, એટલે ફોનને એક બ્રીફકેસમાં રાખવામાં આવતો હતો. થોડી વાર વાત કર્યા પછી તેને બંધ કરી દેવામાં આવતો હતો જેથી બેટરી બચી રહે. ફોનમાં કોન્ટેક્ટ ઉપરાંત કાંઈ પણ સ્ટોર કરી શકતા ન હતા.

કિંમત :

ફોનની કિંમત 3995 ડોલર્સ હતી, એટલે કે આજના હિસાબે તે 10,000 ડોલર્સનો ફોન હતો. તે ફોનમાં વાત કરવા માટે દર મહીને 50 ડોલરનું ભાડું આપવું પડતું હતું. તે ફોન ઉપર વાત કરવા માટે લાગતો ચાર્જ સમયના હિસાબે લેવાતો હતો. એટલે કે સવાર માટે અલગ ચાર્જ અને સાંજ માટે અલગ ચાર્જ આપવો પડતો. ફોન કોઈ સીમ ઉપર ચાલતો ન હતો અને તે એક રેડિયો ફોન હતો જે સિગ્નલની મદદથી ચાલતો હતો. આજે આપણે ભલે સેમસંગ કે એપલના નામ લઈએ પણ દુનિયાને પહેલો ફોન મોટોરોલાએ જ આપ્યો હતો.

આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.