યોગીજી મહારાજ ની બોધકથા ‘સ્વામી, સીધું લ્યો’ પણ સ્વામીનું જ વાંકુ હોય ત્યાં શું થાય? કોઈ સીધું ના આપે

એક ગામમાં એક વહીવટદાર હતા.તેમણે તેમના જમાદારને કહ્યું: ‘હરિજનવાસમાં જઈને હરિજનો ને તેડી લાવ’
આમ આજ્ઞા કરી. જમાદાર કહેવા ગયો.

એણે કમરે સરકારી પટ્ટો બાંધ્યો હતો. વાસમાં જઈને તેણે ખુબ ગાળો ભાંડી અને કહ્યું : ‘ચાલો,તમને વહીવટદાર સાહેબ બોલાવે છે’

હરિજનોએ કહ્યું: ‘અમે આવીએ છીએ પણ તમે ગાળો શું કામ દ્યો છો? આ તમે સરકારી પટ્ટો પહેર્યો છે તેથી કે ખમવું પડે છે.’

જમાદાર ને કેફ આવી ગયો.

તેણે પટ્ટો કાઢી ફેંકી દેતા કહ્યું: ‘લે, આ પટ્ટો ફેંકી દીધો’ એમ કરી વળી પાછો ગાળો દેવા માંડ્યો.

તે લોકોએ પછી તેને પકડ્યો ને ખુબ ધમધમાવ્યો. જમાદાર માંડમાંડ છૂટીને ભાગ્યો.

તેણે વહીવટદાર પાસે જઈને ફરિયાદ કરી કે ‘હરિજનોએ મને માર્યો’

વહીવટદારે બીજા માણસને કહ્યું: ‘જાવ,હરિજનો ને બોલાવી લાવો.’ તે લોકો આવ્યા.

વહીવટદારે પૂછ્યું: ‘અમારા જમાદારને તમે કેમ માર્યો?

તેઓ કહે: ‘સાહેબ, તમે તો અમને બોલાવવા મોકલ્યા હતા.પણ તેણે તો અમને ગાળો ભાંડી. અમે આ તમારા પટ્ટાને માન દઈ ગાળો ખામ્યા. પછી કહ્યું:’ આ પટ્ટો કાઢીને ગાળ દઈ જુઓ’ પછી તેણે પટ્ટો ફેંકી દીધો એટલે અમે તેને માર્યો’

વહીવટદાર સાહેબ જમાદાર ઉપર ગુસ્સે થઇ બોલ્યા : ‘સરકારી પટ્ટો ફેંકી કેમ દીધો?’ પછી હરિજનોને કહ્યું : આને ડબલ મારવો હતો ને ! સરકારી પટ્ટો ફેંકાય જ નહી’

આ વાત કરી યોગીજી મહારાજ સંતો ને કે છે કે આપણે નિયમ-ધર્મ પાડીએ તેથી લોકો માન આપે છે. એ કાઢી નાંખીએ તો કોઈ ઉભાય ન રહેવા દે. કોઈ હરિભક્ત કહે :’ સ્વામી, સીધું લ્યો'( અહીં સીધું નો અર્થ જમવા નું બનાવા નો સમાન) પણ સ્વામીનું જ વાંકુ(અવળાઈ) હોય ત્યાં શું થાય? કોઈ સીધું ના દે. માટે વર્તન શુદ્ધ રાખવું