શું દરરોજ શાક બનાવવામાં આવી રહ્યો છે કંટાળો તો આ 5 ટીપ્સ ફટાફટ કરી દેશે કામ.

જો તમે પણ ઈચ્છો છો કે ખાવાનું બની જાય જલ્દી, તો સમય બગાડ્યા વિના જાણી લો આ 5 મુખ્ય ટીપ્સ, થશે તમારું કામ સરળ.

ઘરે શાક બનાવવું દરરોજનું કામ છે. પણ રોજ રોજ આ કામ કરવું પણ ઘણું કંટાળાજનક બની શકે છે. લોકો વિચારે છે કે, દરરોજ શું નવું કરવામાં આવે જેનાથી ઘરમાં ખાવાનું પણ સારું બને અને સાથે સાથે સમય પણ ઓછો લાગે. એવી સ્થિતિમાં ઘણી વખત આપણને લાગે છે કે, કોઈ પણ પ્રકારના હેક વિષે ખબર પડી જાય જે આપણા કામને સરળ બનાવી દે તો મજા આવી જાય.

આ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કાંઈક એવા જ હેક્સ જે તમને ઘણા પસંદ આવી શકે તેમ છે. આ હેક્સ તમારી રોજની કુકિંગની સમસ્યાઓને થોડે અંશે ઓછી કરી દેશે અને તેનાથી તમને રાહત પણ મળશે. આ તમામ હેક્સ ઘણી જ સારી રીતે કામ કરે છે અને તમે દિવસમાં થોડા કામ કરીને પછી દિવસના બાકીના સમય દરમિયાન આરામ કરી શકો છો. જેમ કે શાકભાજી મસાલા બનાવીને રાખી શકાય છે, ભરીને બનાવવામાં આવતા શાક માટે થોડી ઉપયોગી ટીપ્સ ટ્રાઈ કરી શકો છો.

(1) ભરેલા શાકનો મસાલો બનાવવાની સરળ ટીપ્સ : જો તમે ભરેલા શાક બનાવવા જઈ રહ્યા છો તો હંમેશા તેનો મસાલો પીસવામાં ઘણો સમય લાગે છે. ડુંગળી, ટમેટા વગેરે પીસીને બનાવવા અને તેને શેકવા થોડું મહેનત વાળું કામ હોઈ શકે છે. જો તમે તેમાં લસણ અને આદુ સાથે મસાલા બનાવો છો તો પણ સમય લાગે છે. પણ એક સરળ એવી ટ્રીક આ કામને થોડું સરળ બનાવી શકે છે. તે ટ્રીક છે તેમાં પીસેલી મગફળી ભેળવવાની. જો તમે ઉતાવળમાં છો અને એ પણ નક્કી નથી કે શાકનો મસાલો કેવો બનશે, તો તમે શાકમાં થોડા મગફળીનો ભૂકો મિક્સ કરી શકો છો. તેનાથી મસાલા શેકતી વખતે શાકનો ફ્લેવર પણ ઘણો સારો આવશે અને શાકનો સ્વાદ પણ વધશે.

(2) પનીરનું શાક બનાવવાની ટીપ્સ : પનીરનું શાક લગભગ દરેક ઘરમાં બને છે અને તેના માટે પનીરને તળવાની પ્રક્રિયા પણ કરવામાં આવે છે, પણ મોટા ભાગના લોકોની એ ફરિયાદ રહે છે કે, પનીર બજાર જેવું સોફ્ટ નથી રહેતું અને હાર્ડ થઇ જાય છે. એવામાં માત્ર એક નાની એવી ટીપ તમને કામ આવી શકે છે. તે ટીપ એ કે, તમે પનીરને તળ્યા પછી થોડી વાર માટે હુફાળા પાણીમાં નાખીને રાખી દો. ત્યાર પછી તેને બહાર કાઢીને ગ્રેવીમાં નાખીને તેને થોડી વાર માટે પકાવો. પનીરનું શાક સ્વાદિષ્ટ અને નરમ પણ બનશે.

(3) જો ચણા પલાળવાનું ભૂલી ગયા છો તો કરો આ કામ : ઘણી વખત એવું બને છે કે, સવારે આપણે ચણાનું શાક બનાવવાનું હોય છે, પણ રાત્રે તે પલાળવાનું જ ભૂલી જઈએ છીએ. તેથી ચણાને ઉકાળતી વખતે તેમાં કાચા પપૈયાના ટુકડા નાખી શકાય છે. તેનાથી ચણા સરળતાથી ગળી જશે અને સાથે જ શાક પણ ઘણું સ્વાદિષ્ટ બનશે. તમે ચણાનું શાક બનાવતી વખતે તે કાચા પપૈયાને પણ શાકમાં ભેળવી દો. તેનાથી સ્વાદ બમણો થઇ જશે.

(4) જો શાકમાં મરચું વધુ થઇ ગયું હોય તો શું કરવું? જો તમારા શાકમાં મરચું વધુ થઇ ગયું છે કે પછી તેમાં મસાલા ઘણા વધુ લાગી રહ્યા છે, તો તેમાં કોઈ એક ડેરી પ્રોડક્ટ મિક્સ કરી શકો છો. મલાઈ, દહીં, ક્રીમ વગેરે સાથે દેશી ઘી કે બટર મિક્સ કરી શકાય છે. તે શાક માંથી મરચું અને મસાલાની તીખાશ ઓછી કરી તમારા શાકના સ્વાદને વધારી શકે છે. તેની સાથે તમારા શાકમાં ક્રીમી ફ્લેવર પણ આવશે.

(5) બાફીને શાક બનાવવાની ટીપ : બાફીને શાક બનાવવું ઘણું સરળ તો લાગે છે પણ ઘણા લોકો આ રીત નથી વાપરતા. તેનું કારણ એ છે કે, શાક બાફીને બનાવવાથી તેનો રંગ બદલાઈ જાય છે. જો તમારી સાથે પણ આ તકલીફ થાય છે, તો તમે શાકને અલગથી બાફતી વખતે તેમાં મીઠું નાખી દો. તેનાથી શાકનો રંગ નહિ બદલાય અને સાથે જ તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે. આ ટ્રીક તમે તમામ પ્રકારના શાક સાથે અજમાવી શકો છો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.