તમારે મચ્છર બનવું છે કે ગરુડ, ટેક્સી ડ્રાઈવર સાથે અસલ જીવનમાં બનેલા આ પ્રસંગ પરથી નક્કી કરો.

મચ્છર કે ગરુડ? : એટીટ્યુડનો અર્થ વટ છે કે વડપણ?

– હરિકૃષ્ણ શાસ્ત્રી

18,19 ડિસેમ્બર 2021 ના તમામ સરકારી બેંકોની હડતાલ હતી. લગભગ બારસો કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન્સ બે દિવસ માટે અટવાયા હતા. કારણ માત્ર એ જ કે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ ન થવું જોઈએ. પરંતુ આપ સૌની જાણ માટે, કે છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૧૪ જેટલી જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે. જો કે તેનું મુખ્ય કારણ એ તો છે જ કે એન.પી.એ.નો બોજ ઘટાડવો, અને ખાનગીકરણથી સરકારને મળતા ૧.૭૫ લાખ કરોડ રૂપિયા એકત્ર કરી અર્થતંત્રની ગતિને હજુ પણ વધારે વેગ આપવો.

પણ શું આ નિર્ણય પાછળ આ ઉપરાંત અન્ય કારણો હશે કે નહીં? શું પર્ફોમન્સની બાબતમાં સરકારે આર્થિક સિવાયની કોઈ અન્ય બાબતોની છાનબીન નહીં કરી હોય? અને શું માત્ર બેંકોનું જ ખાનગીકરણ થવાનો માર્ગ અખત્યાર કરવામાં આવ્યો છે? અન્ય પણ અનેક ક્ષેત્રોમાં સરકાર આ કદમ ઉઠાવી રહી છે, તો તેની પાછળ આર્થિક કારણો સાથે અન્ય વ્યવહારુ કારણો પણ સંમિલિત હોય, તેવું લાગતું નથી?

સરકારી બેંકોના કર્મચારીઓને આંદોલનો કરવાનાં થયાં, શા માટે? બધાને એ ડર પેસી ગયો કે ક્યાંક અમારા ક્ષેત્રને પણ પ્રાઇવેટ કરવામાં કે પછી પ્રાઇવેટ જેવા નિયમનો લાગૂ કરી દેવામાં ન આવે!

આથી જ તો એસબીઆઈ જેવી બેંકોની મહદંશે લેથાર્જિક કાર્યશૈલી ઉપરના જોક્સ અથવા મીમ તમે અનેકવાર ફરતા જોયા હશે..

જે કાર્યશૈલીથી સાધારણ જનતા ત્રસ્ત અને પરેશાન હોય, તેમાં બદલાવ લાવવા માટે કંઈક કરવું તો અનિવાર્ય છે જ, અને શું આવું શિથિલ કલ્ચર માત્ર સરકારી બેંકોમાં જ જોવા મળે છે?

કોર્પોરેશનોની ઓફિસોમાં, કલેકટર, ડીડીઓ, ટીડીઓ, ડીઈઓથી માંડીને એકે એક સરકારી ઓફિસમાં તમને ક્યાંય પણ પ્રોફેશનલ એટીટ્યુડનાં દર્શન થયાં હોય તો જરૂર બતાવજો.

“વર્ક”ની પાછળ “કલ્ચર” શબ્દ જોડીને વિદેશીઓએ જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે, તેની ખંતપૂર્વક કોપી કરવાનો ઘણો લાભ આપણા યુવા પ્રોફેશનલો, નવા સ્ટાર્ટઅપ્સ, નૂતન વ્યવસાયિકો પોતાના પ્રાઈવેટ ક્ષેત્રમાં બહુ મોટા લાભ સાથે ઉઠાવી રહ્યા છે.

“કસ્ટમર ઈઝ ગોડ”નું વણલખ્યું સૂત્ર આત્મસાત્ કરાવવામાં આવે છે, ત્યારે કર્મચારીઓના કસ્ટમર સાથેના કોલ રેકોર્ડ કરવામાં આવે છે, બેંકની કે ઓફિસની વિઝિટ પછી તમને એક્સપિરિયન્સ રેટિંગ પૂછવામાં આવે છે, અને તે પછી તે રેટિંગના આધારે જે તે ઓફિસમાં કર્મચારી અથવા કર્મચારીની શૈલી ઉપર બદલાવ લાવવાનાં પગલાંઓ લેવામાં આવે છે, અને આ જ છે કર્મચારીઓના કસ્ટમર સાથેના વર્તાવમાં દેખાતો એટીટ્યુડ.

અને એનાથી ખરેખર શું માત્ર ઓફીસનું વાતાવરણ જ બદલાય છે? કે પછી કસ્ટમરને સંતોષ જ પ્રાપ્ત થાય છે? ના, એનાથી સ્વયં કર્મચારીની આખી પર્સનાલિટી આજીવન બદલાય છે. અને તેનો લાભ તેની પોતાની જિંદગીની ખુશી સાથે જ નહીં, પરંતુ તેના પોતાના પરિવારની ખુશી સાથે પણ જોઈ શકાય છે.

કારણ એ જ કે વ્યક્તિના જીવનમાં આવો એટીટ્યુડ માત્ર કંપનીને નહીં પરંતુ તેની આખી પેઢીને સન્માનના સિંહાસને બેસાડી શકે છે.

વિદેશમાં રહેતા મારા એક મિત્રે મોકલેલી આ સત્યઘટના આવા જ બદલાવના દૃષ્ટાંતરૂપે પ્રસ્તુત કરું છું.

હું એરપોર્ટ પર હતો, એક ટેક્સી ડ્રાઇવર મારી પાસે આવ્યો. મેં તેની ટેક્સીમાં જોયું, તો સામે જ લગાડેલા કાર્ડ પર નજર પડી : મચ્છર કે ગરુડ? તમે નક્કી કરો!

બહુ ખ્યાલ ન આવ્યો કે તે શું કહેવા માંગે છે. મેં બીજી નોંધ એ લીધી કે ટેક્સી સાચે જ સ્વચ્છ અને ચકચકાટ હતી. ડ્રાઈવરનો પોશાક પણ પૂરો સુઘડ અને શાલીન. સફેદ શર્ટ ટાઈ, ઈસ્ત્રી ટાઈટ પેન્ટ અને ચમકતા શૂઝ.

ડ્રાઈવરે બહાર ઊતરી મારા માટે દરવાજો ખોલ્યો, અને કહ્યું : “જયદેવ મારું નામ. હું છું આપનો ડ્રાઇવર.

હું આપનો સામાન મૂકું, ત્યાં સુધી ઇચ્છીશ કે તમે જરા આ કાર્ડ ઉપર મારું મિશન વાંચો, તો સારું.”

ડ્રાઇવરનું મિશન? મને નવાઈ લાગી. તે કાર્ડ ઉપર લખ્યું હતું કે જયદેવનું મિશન : મારા ગ્રાહકોને મૈત્રીપૂર્ણ વાતાવરણ આપવું અને તેમને વ્યાજબી દરે, ઝડપથી, સલામત રીતે ગંતવ્ય સુધી પહોંચાડવા.

મને સાચે જ આનંદ થયો. કેબનું ઇન્ટિરિયર પણ એટલું જ સ્વચ્છ હતું. જયદેવે મને પૂછ્યું: “આપને કોફી ફાવશે?”

તેની પરીક્ષા કરવાના ભાવથી મેં રમત કરી : “ના, મને જ્યુસ વધારે ફાવશે!” તેણે બીજી જ પળે સ્મિત કરતાં કહ્યું: “વેરી ગુડ. મારી પાસે રેગ્યુલર જ્યુસ તો છે જ, પણ ડાયટ જ્યુસ પણ છે, અને તે પણ તાજું.” અને આ જુઓ, તેણે આગળ કહ્યું : “જો તમે વાંચવા માંગતા હો, તો મારી પાસે આજનું પેપર અને કેટલાંક સામયિકો પણ છે.”

જ્યારે ગાડી શરૂ થઈ, ત્યારે જયદેવે મને કહ્યું : “ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ સરસ છે, અને રેડિયો પણ. આપને પસંદ પડે તેવાં ગીતોનો ભંડાર પણ રેડી છે.”

તેની દરેક વાત મને વિસ્મયના આંચકા આપતી હતી. થોડી પળો બાદ જયદેવે મને પૂછ્યું કે શું એરકન્ડીશનનું તાપમાન યોગ્ય છે ને? પછી તેણે મારા ગંતવ્ય માટેનો શ્રેષ્ઠ માર્ગ જણાવ્યો, અને શાંતિથી પૂછ્યું કે મારી વાતો તમને ડિસ્ટર્બ ન કરતી હોય તો જ આપણે વાતો કરીશું. એટલે જણાવી દેવામાં સંકોચ ન રાખશો.”

હવે મારાથી રહેવાયું નહીં. મેં પૂછી લીધું : “ભાઈ, શું તમે પહેલેથી તમારા ગ્રાહકોને આવી રીતે સેવાઓ આપો છો?”

“ના.” તેણે ઈમાનદારીથી કહ્યું, “પહેલેથી નહીં. છેલ્લાં બે વર્ષથી જ! ટેક્સી ડ્રાઈવર તરીકેના મારા આગળના વર્ષોમાં તો હું આળસુ, રખડુ, વ્યસની, અન્ય ગંદા ડ્રાઇવરોની સાથે સમય વેડફનાર અને દુનિયાભરના લોકો માટે માત્ર ફરિયાદો જ કરનાર હલકી કક્ષાનો માણસ બની ચૂક્યો હતો…”

“તો પછી આ બદલાવ…”

“હા, તેની પાછળ એક કહાની છે.” તે ખૂલી રહ્યો હતો : “એક દિવસ પર્સનાલિટી ડેવલપમેન્ટના સંદર્ભમાં એક નિષ્ણાત ડૉક્ટરને સાંભળ્યા. તેમણે “હુ યુ આર મેક્સ અ ડિફરન્સ” નામે પુસ્તક લખ્યું છે. ડૉક્ટરે પોતાની વાતોમાં ઘણું કહ્યું, પણ મને એક વાત ચોંટી ગઈ, કે જો તમે સવારે ઊઠો છો, ત્યારે જ ખરાબ દિવસની અપેક્ષા રાખીને ઊઠો છો, તો તમે મચ્છર બનશો, ગરુડ નહીં. મચ્છર જેવા લોકો માત્ર ફરિયાદના ગણગણાટ કરતા રહે છે, લોહી પીધા કરે છે, અને નકારાત્મકતાના રોગ ફેલાવ્યા કરે છે. અને ગરુડ પોતાની મસ્તીમાં ઊંચાઈ, આદર અને નેતૃત્વને માણતો રહે છે…”

ન જાણે કેમ, પણ તે કબૂલ કરતો રહ્યો કે “હું હંમેશાં અવાજ અને ફરિયાદો કરતો. ગંદો હતો અને ગંદા માણસોની સોબતમાં હતો. વ્યસનને બહાદુરી માનતો. કસ્ટમર સાથે ઉદ્ધત હતો. બસ, મેં ઝટકે એ મૂકી દીધું. એટીટ્યુડ એકસો એંસી ડિગ્રી બદલી નાખ્યો, કેમકે મેં ગરુડ બનવા નક્કી કરી લીધું હતું.”

“એ કેવી રીતે શક્ય બન્યું?” મેં પૂછ્યું. “બસ, મેં જોયું કે મારી ક્યાં ભૂલો થાય છે? મેં બીજી ટેક્સીઓ અને તેના ડ્રાઈવરો તરફ જોયું. ગંદી ટેક્સી, બેફામ ડ્રાઈવરો અને નાખુશ ગ્રાહકો… મેં તરત જ કેટલાક ફેરફારો કરવાની યાદી બનાવી, અને મારા ગ્રાહકોને એ ગમતું ગયું. તેમનાં સૂચનો પણ માંગતો ગયો. મેં થોડા વધુ ફેરફારો કર્યા. અને હવે આઈ એમ એન ઈગલ!”

તેના ચહેરા પર ચમક હતી, “ગરુડ તરીકેના મારા પ્રથમ વર્ષમાં મારી આવક બમણી કરી. આ વર્ષે હું પહેલેથી જ ચાર ગણો વધુ જાગૃત, શાલીન, ઉપયોગી અને પ્રોફેશનલ બની ગયો છું.”

“તો શું તમે તમારા જૂના સાથીઓ પાસે ઊભા જ નથી રહેતા?”

“નો સર, ટેક્સી સ્ટેન્ડ પર ઊભા રહેવાનો સમય જ નથી. આજે મારી ટેક્સી લેવા માટે તમે નસીબદાર છો. હું જરા પણ ફ્રી નથી. મારા ગ્રાહકો મારા સેલફોન પર મને બુક કરે છે. પણ હજુ હમણાં જ એક કસ્ટમરની ટ્રીપ કેન્સલ થઈ અને આપણે મળી ગયા…”

“ગ્રેટ! તમે સાચે જ એક વિશ્વસનીય “ગરુડ” છો.. આજે હું પણ એક ઉમદા ટેક્સી ડ્રાઈવરની મિત્રતા મેળવીને ખુશ છું.”

મેં તેની પ્રશંસા એટલા માટે જ કરી કે તે ખરેખર અલગ હતો. મચ્છરની જેમ કરડવાનું અને ફરિયાદોના ગણગણાટ ફેલાવવાનું બંધ કરે, અને ગરુડની જેમ જૂથ ઉપર ઊડવાનું શરૂ કરે તે નીચેના મચ્છરો શું ગણગણાટ કરે છે, તેની પરવા કરતો નથી.

તમે કયા વર્કપ્લેસ પર છો? સરકારી કે પ્રાઇવેટ? તમે કઈ શાળામાં શિક્ષક છો, સરકારી કે પ્રાઇવેટ? તમે સિવિલ સર્વન્ટ છો? પોલિટિશિયન છો? એક્ઝિક્યુટિવ, એમ્પ્લોય કે પ્રોફેશનલ… કોણ છો તમે?

તમે ગમે તે હો, પણ ગરુડ બનીને આભને આંબવું કે મચ્છર બનીને સંસારનું લોહી પીવું, તે પસંદગી વ્યકિતગત હોય છે!!

– હરિકૃષ્ણ શાસ્ત્રી