જયેશભાઈની પોસ્ટ વાંચ્યા પછી એક ભાઈએ જે રીતે ફળોનો વેપાર સફળ બનાવ્યો તે દરેકે શીખવું જોઈએ.

ગયા વર્ષે લોકડાઉનમા “ફેક્ટરી એટ ફાર્મ” વિશે આજના દિવસે પોસ્ટ લખેલી હતી, ઘણાં મિત્રોએ તેનું અનુકરણ કર્યું હતું. આજે તે પોસ્ટ મેમરી લાઇનમાં આવતા ફરી મિત્રોએ કમેન્ટ અને લાઈક કરી. પણ ઈટવડ ગામના મિત્ર હરનિશસિંહ એ વોટ્સએપ કરી ને પોતાના સાહસ અંગે માહિતી આપી જે આપમાથી ઘણા મિત્રો ને ઉપયોગી થશે.

આદરણીય જયેશભાઈ, લોકડાઉન માં તમારી ફેસબુક પોસ્ટ ખુબ વાંચી અને લાઈક માઈન્ડેડ મિત્રો ને વંચાવી અને એક સાહસ ઉભું થયું “મહી ગોલ્ડન ફ્રુટસ”. અમે પાંચ મિત્રો કેળા ની ખેતી કરતાં હતાં પણ રાઈપનીંગ બાબત નું કે બીજા કોઈ ફ્રુટ બાબત નું કોઈ નોલેજ અમને નહતું, ત્યાં સુધી કે સફરજન માં આટલી વેરાઈટી આવે છે એતો સફરજન વેચવા નું ચાલું કર્યા ના એક મહીના પછી ખબર પડી.

શરુઆત માત્ર અમારા પોતાના ખેતર ના કેળાને રાઈપ કરીને આજુ બાજુ ના ગામો માં વેચવા થી કરી. પછી વોલ્યુમ વધ્યુ એટલે એક નાનું કોમર્શીયલ સાધન લઈ ને નજીક ના લારી વાળાઓ ને કેળા નો સપ્લાય ચાલું કર્યો. એમની પાસે થી જ ફીડબેક મળ્યા કે કેળાની સાથે બજાર માં મળતા સીઝનલ ફ્રુટસ લાવો તો અમે લઈશું અને અમારે બરોડા કે અમદાવાદ લેવા ના જવું પડે. વોલ્યુમ વધ્યુ એટલે રાઈપનીંગ કેપેસીટી વધારી અને બીજા કોમર્શીયલ સાધનો લીધા.

આજુ બાજુ સિત્તેર કિલોમીટર માં ફરી ને તપાસ કરી તો આ મોડેલ ના સારા ફીડબેક મળ્યા એટલે નવા રુટ ચાલું કર્યા. હાલમાં અમારા ગામ ઈંટવાડ થી આજુબાજુ ના મોટા સેન્ટર જેમ કે ઘોઘંબા, સાવલી, કાંકણપુર, મોરવા, ડાકોર માં રોજ વહેલી સવારે ગાડીઓ લોડ કરીને છોકરાઓ નીકળી જાય અને ઓર્ડર પ્રમાણે બધા લારીઓ વાળા ને ઘેર બેઠા ફ્રુટ ની ડીલીવરી આપી દે અને વળતા કેશ કલેકટ કરતાં આવે.

ગામના કુલ 17 છોકરાઓ આપણા યુનીટ પર હાલમાં કામ કરે છે જેમને ગામ ના લેવલ પર ઠીક કહી શકાય એવો સાત આઠ હજાર નો પગાર આપી શકીએ છીએ સાથે એ લોકો બપોર પછી એમની પોતાની ખેતી માં પણ ધ્યાન આપી શકે છે. અમે 12 ટન ની રાઈપનીંગ કેપેસીટી થી કામ ચાલું કર્યુ હતું, હાલમાં અમારી રાઈપનીંગ કેપેસીટી 40 ટન છે.

શરુઆત નું વેચાણ અડધા ટન નું પણ નહતું, અત્યારે રોજ પાંચ થી છ ટન ફ્રુટ નું વેચાણ છે. ટાટા એસ થી અમે કામ ચાલું કર્યુ હતું, આજે અમે પાંચ કોમર્શીયલ વાહનો થી કામ કરીએ છીએ અને ત્રણ મન્થલી ભાડે છે જે ગામ ના જ મિત્રો ના છે.

એવું નથી પાછલા દસ મહીનામાં અમે બધું સારુ જ કર્યુ છે. ઘણી બધી ભુલી કરી ને નુકસાન પણ ગયું પણ એમાં થી શીખવા ખુબ મળ્યુ. એક વસ્તુ જે અમે અનુભવે જાણી તે કે રોડ સાઈડ પર ઉભેલા લારીઓ વાળા ખુબ પ્રમાણીક અને તમારા પૈસા પાછા આપવાની ચિંતા એમને વધારે જ્યારે મોટા હોલસેલરો ની વાતો જ મોટી મોટી હોય. એટલે અમારું પુરુ ફોકસ અમે નાના લારીઓ વાળા પર જ આપ્યુ અને અમારું 100 % વેચાણ એમના થકી જ છે. (જો બાલાજી પાંચ ના પડીકા વેચી ને આટલું મોટું સેટઅપ ઉભું કરી શકતું હોય તો એનો અર્થ સીધો છે કે Small is Sweet.)

બીજું એ જાણવા મળ્યું કે રુરલ બજારો ખુબ પોટેન્શિયલ છે અને તમે તમારું પોતાનું માર્કેટ સરળતાથી ઉભું કરી શકો છો. અમારી કુલ ખરીદી માં થી ત્રીસ ટકા ડાયરેકટ પરોક્યુરમેન્ટ છે જયારે બાકી નું બજાર માંથી આવે છે. હાલ માં અમે 100% ડાયરેકટ પ્રોક્યુરમેન્ટ પર ધ્યાન આપી રહ્યા છે. વધું માં અમારે એક એપ ડેવલપ કરાવવી છે કે જેથી બધું ઓનલાઈન પ્લેટફોર્મ પર લઈ જવાય તો રીયલ ટાઈમ ડેટા મળે, બીલ બનાવવા માં સરળતા રહે તથા વહીવટી સરળતા પણ આવે. આમાં આપના કોઈ સજેશન હોય તો જરુર થી જણાવશો.

આ લખ્યુ એટલે કે આપે લોકડાઉન માં જે પોસ્ટ લખી તે અમારા જેવા યુવાનો એ વાંચી અને આવા કંઇક આયોજનો ગોઠવ્યા હશે એટલે આપની મહેનત વ્યર્થ નથી ગઈ.

– હરનિશસિંહ.