જોમેટો ડિલિવરી બોયે બનાવી દીધી ઇલેક્ટ્રિક-સોલર સાઇકલ, તેનાથી જ કરતા હતા ઇકો-ફ્રેન્ડલી ડિલિવરી

જાણો કોણ છે જોમેટો ડિલિવરી બોય ઇન્દ્રજીત સિંહ, જેણે બનાવી દીધી ઇલેક્ટ્રિક-સોલર સાઇકલ. ઇન્દ્રજીત સિંહે સોલર સાઇકલ ઉપરાંત એગ્રી-મશીન અને મલ્ટી પર્પજ ડ્રોન પણ બનાવ્યું છે. આ પ્રેરણાદાયક સ્ટોરી ઝારખંડના સિંહભુમ વિસ્તારના એક એવા યુવકની છે, જેણે ગરીબીમાં જીવન પસાર કર્યું પરંતુ મજબુત ઈચ્છાશક્તિને કારણે એક એવી સાઇકલ બનાવી જે સૌર ઉર્જાથી ચાલે છે. ભલે શરુઆતમાં આ શોધને પ્રસિદ્ધી ન મળી પરંતુ હવે આ સાઇકલ માટે ઓર્ડર મળવા લાગ્યા છે.

19 વર્ષીય ઇન્દ્રજીત ગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે પરંતુ તેની સાથે જ તેની એક બીજી ઓળખાણ છે, અને તે છે એક શોધક ઉદ્યમીની. નાનપણથી જ મશીનોને સમજવા અને બનાવવાનો શોખ ધરાવતા ઇન્દ્રજીતે અત્યાર સુધીમાં ઘણી એવી શોધો કરી છે જે સામાન્ય લોકો માટે મદદરૂપ છે. પહેલા તો તેણે પહાડી વિસ્તારોમાં બાળકોની પગપાળા આવવા-જવાની સમસ્યાને સમજીને સોલર સાઇકલ બનાવી, અને પછી ગામમાં ચારોળીના ખેડૂતોની મદદ માટે પોર્ટેબલ ચારોળી ડિકોર્ટિકેટર મશીન પણ બનાવ્યું છે.

ઇન્દ્રજીતે ધ બેટર ઇંડિયાને જણાવ્યું, ‘નાનપણથી જ મને મશીનથી રમવાનો શોખ હતો. ઘરે બધા રેડિયો સાંભળતા હતા તો એક દિવસ રાત્રે મેં તેને આખો ખોલી નાખ્યો, કેમ કે મને લાગતું હતું કે જરૂર તેની અંદર કોઈ બેઠું છે અને તે બધી વાતો જણાવી રહ્યો છે. તે જીજ્ઞાસાથી જ મારી આ સફર શરુ થઇ. ઘરવાળા મને દરેક વસ્તુ વિષે માહિતી આપવામાં લાગેલા રહેતા હતા.

ઇન્દ્રજીતના પિતા એક બસ ડ્રાઈવર છે અને ઘરમાં તેના બે ભાઈ-બહેન છે. આર્થિક સ્થિતિ એટલી પણ સારી ન હતી કે તેના માતા-પિતા તેને કોઈ મોટી સ્કુલમાં ભણાવે. તેણે તેનો સ્કુલનો અભ્યાસ સરકારી સ્કૂલોમાં જ પૂરો કર્યો અને ત્યાં જુદા જુદા પ્રકારના સાયન્સ પ્રોજેક્ટમાં ભાગ લેતો રહ્યો. સ્કુલની કોઈ જીલ્લા કક્ષાની કે રાજ્ય કક્ષાની પ્રતિયોગીતામાં ભાગ લેવાનો હોય તો ઇન્દ્રજીતને જ કંઈક બનાવવા માટે કહેવામાં આવતું. ઘણી વખત તેણે તેની સ્કુલમાં ભેદભાવનો સામનો પણ કર્યો. તેના બનાવેલા પ્રોજેક્ટને કોઈ બીજા બાળકોના નામે આગળ મોકલવામાં આવ્યા.

તેણે કહ્યું, એક-બે વખત મારી સાથે એવું બન્યું પરંતુ મેં હાર ન માની. કેમ કે હું જાણતો હતો કે મારામાં ઘણું બધું કરવાની કુશળતા છે. એટલા માટે હું ઘરે મારી એક નાની એવી વર્કશોપ બનાવવામાં વ્યસ્ત રહ્યો. જયારે પણ કોઈ પૈસા મળે, હું મારા આઈડિયા ઉપર કામ કરવા માટે તેના સાધનો લઇ આવતો.

એક વખત તેને ઇનામમાં સોલાર લાઈટ મળી અને તેમાંથી તેણે સોલરનું કામ કરવાની ટેકનીક સમજાઈ. સોલર લાઈટને સમજતા-સમજતા ઇન્દ્રજીતે મનમાં ઘણા વિચાર આવ્યા કે, જો આટલું બધું સોલારથી ચાલી શકે છે તો શું તેની સાસાઇકલ પણ સોલરથી ચાલી શકશે? તેણે તેની ઉપર પોતાની કક્ષાએ કામ કરવાનું શરુ કર્યું. તેણે એક સેકંડ હેન્ડ મોટર ખરીદી, સોલર લાઈટની સોલર પેનલને કાઢી બીજી વસ્તુઓ પણ એકઠી કરી. સ્કુલના અભ્યાસની સાથે સાથે તે સોલર સાઇકલ બનાવવામાં લાગી ગયો.

તેને આગળ કહ્યું – પહેલા તો હું ટ્રાયલ કરી રહ્યો હતો પરંતુ પછી મેં જોયું કે પહાડી રસ્તાને લીધે ઘણા બાળકોને સ્કુલે પહોંચવામાં તકલીફ પડે છે. જેની પાસે સાઇકલ છે તેમના માટે ઢાળ પરથી ઉતરવાનું તો સરળ રહે છે, પરંતુ ઢાળ ઉપર પોતાને અને સાઇકલને ચડાવવું એટલું જ મુશ્કેલ. તેના વિષે વિચારીને મેં એવો પ્રયત્ન કર્યો જેથી સરળતાથી એવા રસ્તા પર ચડી શકાય.

તેવામાં વર્ષ 2016 માં તેણે હની બી નેટવર્ક અને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા આયોજિત INSPIRE એવોર્ડ્સમાં ભાગ લેવાની તક પણ મળી. પહેલા તેણે જીલ્લા કક્ષાએ પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું, અને પછી આગળના લેવલ માટે રાંચી બોલાવવામાં આવ્યો. પરંતુ તે સમયે તેની સાથે જવાવાળું કોઈ ન હતું.

તેણે આગળ કહ્યું, ‘હું ક્યારે પણ એકલો પોતાના શહેરમાંથી બહાર ગયો ન હતો અને સ્કુલ તરફથી આ અંગે કોઈ મદદ ન મળી. ઘરવાળાએ પણ કહ્યું કે, કોઈ જરૂર નથી જવાની. પરંતુ હું રાત્રે એકલો ઘરમાંથી નીકળી ગયો અને ટ્રેનમાં રાંચી પહોંચી ગયો. ત્યાર પછી મને દિલ્હી બોલાવવામાં આવ્યો, જ્યાં ડો. હર્ષવર્ધને મને સન્માનિત કર્યો અને મને અનીલ સરને મળવાની તક મળી.

જૂની સાઇકલ અને સેકંડ હેન્ડ વસ્તુનો ઉપયોગ કરીને બનાવેલી તેની સોલર સાઇકલમાં તે સમયે લગભગ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. તેણે સાઇકલને એ રીતે મોડીફાઈડ કરી કે તે સોલર અને ઇલેક્ટ્રિક બંને રીતે ચાલી શકે. સોલર પેનલ સાથે આ સાઇકલ 30 કી.મિ. પ્રતિ કલાકના હિસાબે ચાલે છે, અને ઇલેક્ટ્રિકમાં એક વખત ચાર્જીંગ કરવા પર આ સાઇકલ લગભગ 60 કી.મિ. ચાલી શકે છે.

તે કહે છે કે સોલરને કારણે જ ક્યારે ક્યારે સાઇકલનું વજન વધી જાય છે એટલા માટે હવે તે લોકોને ફોલ્ડેબલ સોલર પેનલની સુવિધા આપી રહ્યો છે જેથી લોકોને જરૂર હોય ત્યારે જ તેમણે સોલરનો ઉપયોગ કરવો પડે.
ઈંસ્પાયર એવોર્ડ જીત્યા પછી તેને જાપાનના sakura exchange program in science માં પણ જવાની તક મળી. આમ તો એટલા સન્માન મળ્યા પછી પણ તેને ક્યાંકથી આર્થીક મદદ ન મળી શકી. ન તો તેને તેના ઈનોવેશનને આગળ વધારવા માટે અને ન ન તો તેના અભ્યાસ માટે.

હાઈસ્કુલ પાસ કર્યા પછી તે જમશેદપુર ગયો અને ત્યાંથી તેણે પોતાનું 11 મું અને 12 મું ધોરણ પાસ કર્યું. પોતાના અભ્યાસ અને ઈનોવેશન ઉપર કામ કરવા માટે તેણે અલગ અલગ જગ્યાએ પાર્ટ ટાઈમ નોકરી પણ કરી. તે જણાવે છે કે જમશેદપુરમાં સોલર સાઇકલે તેની ઘણી મદદ કરી છે. તે જોમેટો માટે તે ડીલીવરી બોય તરીકે કામ કરતો હતો, તે તમામ ડીલીવરી સોલર સાઇકલ ઉપર કરતો હતો. તે દરમિયાન હંમેશા લોકો તેની સાઇકલ જોઇને તેના વિષે પૂછતાં હતા. તેણે પોતાનો એક વિડીયો પણ યુટ્યુબ ઉપર અપલોડ કર્યો.

તેણે જણાવ્યું – ‘અત્યાર સુધી મેં 18 લોકો માટે સોલર સાઇકલ બનાવી છે. નવી અને એડવાન્સ સોલર અને ઇલેક્ટ્રિક સાઇકલની કિંમત 14 હજાર રૂપિયાથી શરુ થાય છે. તેમાં હું 24 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરુ છું અને પછી ગ્રાહકોને જોઈએ એવી સુવિધા ઉપર કામ કરવામાં આવે છે. વિડીયો જોઇને બીજા પણ ઘણા લોકો મારા સંપર્કમાં આવ્યા અને અત્યાર સુધી લગભગ 80 ઓર્ડર મને મળી ગયા છે. તેની ઉપર હું આગળ કામ કરી રહ્યો છું. તેની સાથે જ મારા બીજા ઈનોવેશન માટે મને હની બી નેટવર્કથી થોડી મદદ મળી છે.’

ઇન્દ્રજીત પાસેથી સૌથી પહેલી સાઇકલ ખરીદવાવાળા તેની સ્કુલના એક શિક્ષક હતા, તેમણે પોતાના દીકરા માટે આ સાઇકલ ખરીદી. ત્યાર પછી તેણે અલગ અલગ જગ્યાએથી ઘણા લોકોને સાઇકલ બનાવી આપી. આ કામમાં તેની સાથે જોમેટોમાં કામ કરવાવાળો તેના એક સાથી પણ સામેલ છે.

લગભગ દોઢ વર્ષ પહેલા રાજુ પ્રમાણિકે તેની પાસેથી સાઇકલ ખરીદી હતી. પહેલા તે ડિલિવરી માટે બાઈક વાપરતા હતા, પરંતુ તેમાં પેટ્રોલનો ખર્ચ સાડા ત્રણ હજાર સુધી આવતો હતો. જયારે તેની મુલાકાત ઇન્દ્રજીત સાથે થઇ તો તેણે ઇલેક્ટ્રિક કમ સોલર સાઇકલ ખરીદી.

રાજુએ આગળ જણાવ્યું, ‘મેં તેને પૈસા પણ રોકાણ માટે આપ્યા હતા. પરંતુ હવે મારો મહિનાનો ખર્ચ તેની ઉપર માંડ માંડ ૩૦૦ રૂપિયા આવે છે. અત્યાર સુધી માત્ર એક વખત વચ્ચે વાયરીંગની થોડી તકલીફ થઇ હતી, પરંતુ તે પણ મિકેનિકે 100 રૂપિયામાં બરોબર કરી દીધું. ત્યારથી દરેક જગ્યાએ તે સાઇકલ વાપરું છું.’

ઇન્દ્રજીતનું બીજું ઈનોવેશન ચારોળી ઉગાડવાવાળા ખેડૂતો માટે છે. તે જણાવે છે કે ખેડૂતોએ ચારોળીના ફળ હાથથી કાઢવા પડે છે, કેમ કે તેના માટે જે પણ મશીન છે તે ઘણા મોંઘા છે. એવું કોઈ મશીન નથી જે ઓછા ખર્ચાવાળું અને નાના ખેડૂતો માટે હોય. ખેડૂતોને આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે, અને ન તો તેમને સારા ફળ મળી શકે છે. એટલા માટે આ મશીન બનાવ્યું જેથી ખેડૂતોની મદદ થઇ શકે.

આ મશીન માટે તેને વર્ષ 2018 માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ઈગનાઈટ એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેના આ મશીન માટે પણ તેને સન્માનિત કરવામાં આવ્યો છે, અને અત્યાર સુધી તેને લગભગ 60 ઓર્ડર મળી ચુક્યા છે.
પોતાના આ બંને ઈનોવેશનને પ્રોડક્ટ્સ તરીકે બજારમાં ઉતારવા માટે ઇન્દ્રજીતે એક સોશિયલ એંટરપ્રાઈઝ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. તેના દ્વારા તે ન માત્ર પોતાના ઈનોવેશન બીજા સુધી પહોંચાડવા માંગે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો પોતાની સમજણથી બીજાની મદદ કરવા માટે કંઈક બનાવવા માંગે છે, તેને પણ રોજગાર આપવા માંગે છે.

હાલમાં જ તેણે ગુજરાતના પોતાના એક મિત્ર સાથે મળીને મલ્ટી-પર્પઝ ડ્રોન બનાવ્યો છે, જેનાથી કોઈ પણ જગ્યાને સેનેટાઈઝ કરી શકાય છે અને ક્યાય પણ દવા પહોંચાડી શકાય છે. તે કહે છે કે તેણે બસ એવી નવી વસ્તુઓ બનાવવી છે જે સામાન્યમાં સામાન્ય લોકોને કામ આવે. તેની પાસે આવડત છે, તેને બસ થોડી આર્થિક મદદ જોઈએ છે, જેની ઉપર તે કામ કરી રહ્યો છે. તમે જો ઇન્દ્રજીતના આ નવા વિચારોને આગળ વધારવામાં કોઈ પણ રીતે તેને મદદ કરી શકો છો, તો તેને 079910 82184 ઉપર કોલ કરી શકો છો.

આ માહિતી ધ બેટર ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.